Site icon Revoi.in

તહેવારોના ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં લોકોની હાલત કફોડી બની

Social Share

રાજકોટ :  રાજ્યમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાંયે તહેવારોના ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં  તોતિંગ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીએ નાગરિકોના નાકમાં દમ કરી દીધો છે. આવામાં તહેવારો પર જ સિંગતેલના ભાવ સળગ્યા છે. સિંગતેલમાં વધુ 10 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સિંગતેલ લૂઝ 10 કિલોના રૂ.1540 થી વધી રૂપિયા 1550 થયા છે. સિંગતેલ નવા ટીન 15 કિલોના રૂ.2490 થી 2530 હતા, જે વધીને રૂપિયા 2500 થી 2540 થયા છે. સ્થાનિક બજારમાં કાચા માલની અછત સર્જાતા ભાવમાં વધારો થયો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કપાસિયા તેલ પણ સિંગતેલની લગોલગ આવી ગયું છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ 32 વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મુકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે. રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ અલગ ખર્ચ સહિત નાફેડ વેચવા સમયાંતરે પ્રયત્ન કરે છે. જો કે આ ભાવ ઊંચા પડે છે તેમ કહીને ખરીદી કરાતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે. આ રીતે ભાવ વધારો કરીને નાફેડના ગોડાઉનની મગફળી પણ સસ્તાભાવે લેવાનો પ્રયાસ કરવા ઘણા તત્વોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે.

Exit mobile version