Site icon Revoi.in

ફ્લાઈટ્સના ભાડાંમાં વધારાને લીધે ટુર ઓપરેટરોની કફોડી સ્થિતિ, લોકો પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે

Social Share

અમદાવાદઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. તેમાંયે દિવાળીની જાહેર રજા કે વેકેશનમાં તો દરેક પરિવારોમાં નાની-મોટી ટુરનું આયોજન તો થતું હોય છે. આ વર્ષે દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર પેકેજની કિંમત પણ વધારે થઈ ગઈ છે, જેને કારણે ટૂર ઓપરેટર પણ મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ટ્રેન ટિકિટમાં વેઇટિંગ છે, તો બીજી તરફ ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હાલ જમ્મુ-કાશ્મીરથી લઈ અંદામાન- નિકોબાર સહિતનાં સ્થળોનું પ્રતિ વ્યક્તિદીઠ 5થી 7 દિવસનું ટૂર પેકેજનો ચાર્જ 20થી 25 હજાર છે. તો એની સામે એક વ્યક્તિની રિટર્ન હવાઈ સફર માટેની ટિકિટનો ભાવ 30થી 40 હજાર રૂપિયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં રોજગાર-ધંધાની સાથે પ્રવાસન ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો હતો. ત્યારબાદ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં અને સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લેતા અન્ય ઉદ્યોગોની જેમ પ્રવાસન ઉદ્યોગની ગાડી પણ પાટા પર ચઢી છે. આ વર્ષે ગુજરાતીઓ રાજ્યમાં જ નહીં પણ બીજા રાજ્યોના પ્રવાસન સ્થળો, હીલ સ્ટેશનો વગેરે જવા માટે બુકિંગ તો કરાવી લીધુ છે. પણ ફ્લાઈટ્સના ભાડામાં તોતિંગ વધારાને લીધે લોકોનું ટુર આયોજન ખોરવાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આથી ટુર ઓપરેટરો પણ ચિંતામાં પડ્યા છે. કારણ કે જે ટૂર પેકેજનું સાત દિવસનું ભાડું હોય છે, તેના કરતાં એર ટિકિટનો ભાવ ડબલ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દિવાળી વેકેશનમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ વગેરે સ્થાન પર લોકો જવાનું પસંદ કરી રહ્યા છે. જોકે હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા મહારાષ્ટ્ર તથા સાઉથના રાજ્યોમાં લોકો વેકેશન પર જવાનું ટાળી રહ્યા છે. જોકે હાલ સ્થિતિ એવી ઉભી થઈ છે કે એક તરફ જ્યાં ટ્રેનોનું બુકિંગ ફૂલ છે અને ફ્લાઇટની ટિકિટના ભાડા ડબલ છે. જેના કારણે પૂછપરછ માટે આવતા લોકો ફ્લાઇટ ટિકિટના ભાડા સાંભળીને અન્ય રાજ્યમાં પ્રવાસનો વિચાર પડતો મૂકી રહ્યા છે અને ગુજરાતમાં જ કોઈ સારા સ્થળે એક કે બે દિવસના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે.