Site icon Revoi.in

અમદાવાદ શહેરમાં દિવાળીના ટ્રાફિકના નિયમન માટે પોલીસ વિભાગે ઘડ્યો એકશન પ્લાન

Social Share

અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોને લીધે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રોડ પર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિકના યોગ્ય નિયમન માટે શહેર ટ્રાફિક પોલીસે હોમગાર્ડના જવાનો સેવાઓ લઈને વિશેષ આયોજન કર્યુ છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરમાં તહેવારના દિવસોમાં લોકોને રોડ રસ્તા પર ટ્રાફિકનો સામનો ન કરવો પડે તેને લઇને એક સ્પષ્ટ અને સરસ એક્શન પ્લાન બનાવી લીધો છે. જેમાં ટ્રાફિક વિભાગમાં  500 જેટલા નવા હોમગાર્ડ ભરતી કરવામાં આવી છે, ઉપરાંત 500 ટ્રાફિક બ્રિગેડ ફરજ પર મુકાયા છે અને  ઉપરાંત તાલીમ લઈ રહેલા 700 ટ્રાફિક બ્રિગેડને પણ પોસ્ટિંગ આપી પોલીસ સ્ટેશન ફાળવી દેવામાં આવશે.  શહેર પોલીસની સાથે સાથે ટ્રાફિક પોલીસની મદદ રહેશે. બજારમાં વધુ ભીડ હોવાથી પોલીસ સાથે ટ્રાફિક પોલીસ પણ તહેનાત રખાશે, ત્યારે શી ટીમની સાથે સાથે તમામ ટ્રાફિકના જવાનોને રખાશે. શહેરની મહત્વની જગ્યા પર એટલે કે મોલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન મેટ્રો સ્ટેશન અને ભીડભાડ વાળી જગ્યા પર ખાસ પોલીસની વોચ રખાશે. ખરીદી કરવા નીકળેલી બહેનોની સલામતી જળવાય એટલા માટે ખાનગી ડ્રેસમાં પોલીસ બહેનો ફરજ બજાવશે.  ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 70 જેટલા હોક બાઇક રખાશે. જે અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. પીસીઆર વાન પણ ટ્રાફિકના સંચાલનમાં મદદરૂપ થશે. 14 ક્રેઇન તમામ રોડ ઉપર ટ્રાફિકજામ થાય ત્યાં રહેશે. સોશ્યલ મીડિયા પર પણ પોલીસ એક્ટિવ રહેશે. લોકોને પણ પોલીસને સહયોગ આપવાની અપીલ કરવામાં આવી છે.