Site icon Revoi.in

ભ્રષ્ટાચારની હરિફાઈમાં પોલીસ વિભાગ પ્રથમ નંબરે, ACB એ પકડેલા કેસમાં 60 ટકા ગૃહ વિભાગના

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભ્રષ્ટ્રાચાર વધતો જાય છે. એસીબીની ધોંસ હોવા છતાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. તાજેતરમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના શહેર પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારી કર્મચારી વિરુદ્ધ જે આક્ષેપો કર્યાં હતા તે ચોંકાવનારા હતા. ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટે જે કાર્યવાહી કરે છે તેના આંકડાં પણ એટલાં જ ચોંકાવનારા છે. ભ્રષ્ટાચારની બાબતમાં પોલીસ ખાતું જ પ્રથમ નંબરે છે તેવું એસીબીના આંકડા જ સ્પષ્ટ કરે છે. વર્ષ  2021 માં એસીબીએ જે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ છટકાં ગોઠવી કે રેઇડ થકી કાયદેસરની કાર્યવાહી કરી તેમાંના 60 ટકા તો પોલીસ વિભાગના જ હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના 26માંથી 19 વિભાગમાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો નોંધાયો છે. આ વર્ષની શરૂઆતમાં જ ગુજરાત એસીબીએ પોતાની ગયા વર્ષની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો હતો તે પ્રમાણે એસીબીએ વર્ષ 2021માં ગુજરાત સરકારમાં કામ કરતાં કુલ 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લીધાં હતાં તે પૈકી પોલીસના કુલ 74 કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે. જ્યારે લાંચના રજિસ્ટર થયેલાં કેસની સંખ્યાની દ્રષ્ટિએ જોઇએ તો એસીબીએ આ વર્ષ દરમિયાન કુલ 173 કેસ કર્યાં અને તેમાંના પાંચમા ભાગ કરતાં વધુ એટલે કે 34 કેસો પોલીસ ખાતામાં ચાલતાં ભ્રષ્ટાચારને લગતાં હતા.

રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી શાખાએ કરેલી આ કાર્યવાહીમાં પોલીસ વિભાગના વચેટીયા, દલાલો અથવા તો વહીવટદાર તરીકે ઓળખાતાં લોકો પણ સામેલ હતા, જેઓ જે-તે ઉચ્ચ પોલીસ અધિકારી વતી ભ્રષ્ટાચારની રકમની લેવડદેવડમાં સંકળાયેલા હતા. જેથી કરીને પોલીસ અધિકારીની સીધી રીતે સંડોવણી ભ્રષ્ટાચારના કિસ્સામાં ન આવે. ગૃહ વિભાગ બાદ સૌથી વધુ ભ્રષ્ટાચારના 23 કેસ મહેસુલ વિભાગમાં 23 થયા અને 45 આરોપી પકડાયા હતા જ્યારે તે પછી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં ભ્રષ્ટાચારના કુલ 20 કેસ અને 48 આરોપી પકડાયા હતા.