Site icon Revoi.in

સાતમ-આઠમના તહેવારો પહેલા જ સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં પણ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની રહી છે. શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ સાતમ-આઠમ અને રક્ષાબંધનના પર્વ નજીકમાં છે ત્યારે સિંગતેસ સહિત ખાદ્યતેલમાં પણ તોતિંગ વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાતમ આઠમનાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ ઓગસ્ટ માસનાં પહેલા જ દિવસે ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. હવે ખાદ્ય તેલના વધુ રૂપિયા ચૂકવવા પડશે તે જાણીને ગૃહિણીઓ ચિંતામાં મૂકાઈ છે. સાતમ-આઠમના તહેવારોમાં ઘેર-ઘેર તેલમાંથી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું. સિંગતેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલમાં ભાવમાં રૂપિયા 5 થી 10 સુધીનો વધારો થયો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના ડબ્બાનો ભાવ . 2800ને પાર પહોંચ્યો છે. તો પામોલીન તેલના ભાવમાં એક મહિનામાં 100 નો વધારો થયો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મહત્વનું છે કે, ખાધતેલ મોંઘા થવા સાથે  બજારમાં ફરસાણ, ખાધચીજોમાં ભેળસેળ કે બળેલું તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાધતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.