Site icon Revoi.in

વડાપ્રધાન યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથિયાં ચડીને મહાકાલી માતાજી મંદિર દર્શને પહોંચ્યા

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના કાલિકા માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. વડાપ્રધાન પાવાગઢ વડાતળાવ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે ધુમ્મસ ભર્યા વાતાવરણની સાથે વરસાદના અમી છાંટણા પણ પડી રહ્યા હતા. તેમ છતા વડાપ્રધાન યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી મંદિરના પગથિયાઓ ચડીને માતાજીના દર્શને શ્રધ્ધાપૂર્વક પહોચ્યા હતા અને મહાકાલી માતાના પૂજન-અર્ચન-આરતી કર્યા હતા.

પાવાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજાજીનું પૂજન કરી કાલિકા માતા મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કરાવ્યું હતું. કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને રોપ-વે મારફત મંદિર પરિસરમાં પહોચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા પગથિયાં ચઢીને જવું પડે છે, તેવી જ રીતે વડાપ્રધાન પણ સામાન્ય શ્રદ્ધાળુની જેમ પગથીયા ચઢીને મા ના દર્શને પહોચ્યા હતા અને માતાના દરબારમાં શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન સાથે આ દર્શન-પૂજન અર્ચનમાં સહભાગી થયા હતા. પાવાગઢથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ગયા હતા. જ્યાં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું હતું.