Site icon Revoi.in

કચ્છના રાપરમાં ફતેહગઢ નજીક નર્મદા કેનાલની મરામતનું કામ અનેક રજુઆતો બાદ અંતે હાથ ધરાયું

Social Share

ભૂજઃ કચ્છમાં નર્મદાના પાણી એ લોકો માટે જીવાદોરી સમાન બન્યા છે. નર્મદાની પાણી સિંચાઈ માટે પણ આપવામાં આવતા હોવાથી કચ્છની સુકી ધરા હવે નંદનવન બની રહી છે. જિલ્લાના રાપર નજીક નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હતા. તેમજ કેનાલના દીવાલની માટી પણ ઘસી આવતા પાણી આગળ જઈ શકતું ન હતું . અને છેલ્લા અઢી મહિનાથી કેનાલમાં પાણી બંધ કરાવામાં આવ્યું હતું હવે કેનાલની અંદર જમા થયેલી માટી અને દીવાલોમાં સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે.

કચ્છના રાપર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા. ઉપરાંત કેનાલના દીવાલોની માટી ધસી જતા કેનાલ જર્જરિત બની ગઈ હતી. આથી છેલ્લા અઢી મહિનાથી કેનાલમાં પાછી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતુ. આથી રાપર તાલુકાના ખેડુતો દ્વારા કેનાલમાં પાણીની માગ સાથે આદિપુર નર્મદા કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેને લીધે કેનાલની મરામત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નર્મદા કેનાલમાં  મોટા સાધન સામગ્રી અને માનવ બળ સાથે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. હજુ પંદર દિવસ સુધી આ કામ અવિરત રહેશે અને આગામી દિવાળી બાદ ફરી કેનાલમાં નર્મદાના પાણી વહેતા થાય એવા અણસાર હાલ જોવા મળી રહ્યા છે.

આ અંગે આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાપરના ફતેહગઢ નજીકના સંપ હાઉસ પાસેની નર્મદા કેનાલમાં સંબધિત તંત્ર દ્વારા લોડર, જેસીબી, ટ્રેક્ટર અને કામદારોના સમુહથી સફાઈ અને સમારકામ એક પખવાડિયથી શરૂ કરવામાં આવ્યું છે. જે સંભવિત પંદર દિવસમાં પૂર્ણ થશે અને ત્યારબાદ ફરી વખત વાગડ વિસ્તારની કેનાલમાં નર્મદાના પાણી વહેતા થશે જે ખેડૂતો માટે ખેતીકાર્યમાં અતિ મહત્વના સાબિત થઈ શકે છે.