Site icon Revoi.in

અમદાવાદમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તાનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપાયો, આજે સુનાવણી કરાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં રખડતાં ઢોરને મામલે ગુજરાત હાઈકોર્ટે અગાઉ અનેકવાર સરકારને ટકોર કર્યા બાદ રાજ્ય સરકારની સુચનાથી તમામ મહાનગરપાલિકાઓમાં નવી પોલીસી બનાવીને રખડતા ઝોર પકડવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ ઢોર પકડનાર પાર્ટી અને ઢોર માલિકો વચ્ચે માથાકૂટ થવાના કિસ્સા વધવા માંડ્યા હતાં. હવે હાઈકોર્ટમાં વકીલ અમિત પંચાલ દ્વારા કોર્ટના અગાઉના આદેશોનું પાલન નહીં કરવા અંગે સરકાર સામે કન્ટેમ્પ્ટ પીટિશન દાખલ કરાઈ હતી. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ અમદાવાદના સાતેય ઝોનની કામગીરીનો રીપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેની વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ટકોર કરવામાં આવી હતી કે, , સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રીપોર્ટ પ્રમાણે સ્થિતિ ચિંતાજનક છે. કારણ કે, તમામ કામગીરી માત્ર પેપર પર થઈ છે. કોઈપણ સ્થાનિક નગરપાલિકાઓએ રખડતાં ઢોર સહિતની સમસ્યાઓના નિકાલ માટે પગલાં લીધાં નથી. રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રીપોર્ટના અભ્યાસ માટે સમય માંગ્યો હતો. જેથી હવે ગુરૂવારે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બુધવારે સુનાવણીમાં કોર્ટે સરકારને કહ્યું હતું કે, કોર્ટ રીપોર્ટના આધારે આવતી કાલે યોગ્ય ઓર્ડર આપી શકે છે. તે ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ બદલ ચાર્જ ફ્રેમ થઈ શકે છે. સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, જે ઢોર માલિકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે તેમને લઈ પ્રજાના પૈસાનો વેડફાટ કરી શકાય નહીં.

ઉલ્લેખનીય છે. કે, ગત સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, જો ઢોર માલિકો નિયમો પાળતા નથી તેને લઇને પ્રજાના પૈસાનો વેડફાટ કરી શકાય નહીં. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી AMCના સાત ઝોનમાં કામગીરીનો રીપોર્ટ બનાવી કોર્ટેને આપશે. જે મુજબ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ હાઈકોર્ટને રીપોર્ટ સોંપ્યો હતો. જજ આશુતોષ શાસ્ત્રી અને હેમંત પ્રછકની બેંચ દ્વારા સરકારને જણાવ્યું હતું કે, આ રીપોર્ટ મુજબ પરિસ્થિતિ ચિંતાજનક છે. બધી કામગીરી પેપર પર થઈ છે. હકીકત અલગ છે જે રીપોર્ટમાં દર્શાવી છે. કોઈપણ સ્થાનિક સરકારે ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ માટે પગલાં લીધા નથી. સરકારે રિપોર્ટના અભ્યાસ માટે સમય માગ્યો હતો જેથી આ મુદ્દે ગુરૂવારે વધુ સુનાવણી હાથ ધરાશે.