Site icon Revoi.in

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં 15 જેટલી ઔદ્યોગિક વસાહતોની દરખાસ્તને રાજ્ય સરકારે આપી મંજુરી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજયના વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતની 15 દરખાસ્તોને રાજય સરકારે મંજુરી આપી દીધી છે અને તે માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 1790 હેકટર જમીનમાં આ ઔદ્યોગિક વસાહતો આકાર પામશે.  જેમાં રાજકોટ, મોરબી, જામનગર, મહિસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ તથા ભાવનગર જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતો નિર્માણ પામશે.  રાજકોટમાં ત્રણ ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ બનશે. જ્યારે જામનગર, બનાસકાંઠામાં પણ 3-3 જયારે ભરૂચમાં બે અને બાકીના જિલ્લાઓમાં એક-એક ઔદ્યોગિક વસાહત મંજુર કરવામાં આવી છે. બનાસકાંઠામાં બે ફુડ એન્ડ એગ્રો પ્રોસેસીંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે રાજકોટ, મોરબી, જામનગર, મહિસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ તથા ભાવનગર જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતોને મંજુરી આપી છે. જેમાં રાજકોટમાં ત્રણ ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ બનશે. જ્યારે જામનગર, બનાસકાંઠામાં પણ 3-3 જયારે ભરૂચમાં બે અને બાકીના જિલ્લાઓમાં એક-એક ઔદ્યોગિક વસાહત મંજુર કરવામાં આવી છે.  જયારે વલસાડમાં સીફુડ પ્રોસેસીંગ પાર્ક બનશે. છોટા ઉદેપુર, દાહોદ તથા ભરૂચમાં ત્રણ આદિવાસી પાર્ક બનશે. ભરૂચમાં બલ્ક ડ્રગ્ઝ પાર્કને પણ મંજુરી આપવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના સંબંધિત જિલ્લા કે ક્ષેત્ર માટે અનુરૂપ હોય તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેના આધારિત ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરાશે. ઉદાહરણ તરીકે મોરબીમાં સ્થપાનારી ઔદ્યોગિક વસાહતમાં સીરામીક ક્ષેત્રને પ્રોત્સાહન આપતા એકમો રહેશે. જયારે જામનગરની ઔદ્યોગિક વસાહતથી બ્રાસપાર્ટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આદિવાસી પાર્ક મારફત આદિવાસી સમુદાયને ઉદ્યોગક્ષેત્રે સાહસિક બનાવવાનો ઉદેશ છે, અને તે માટે ખાસ રાહતો પણ આપવામાં આવશે. આદિવાસી સમાજના લોકો ઔદ્યોગિક એકમ સ્થાપે તેને ખાસ સરકારી સહાય આપવામાં આવશે. રાજય સરકારે મંજુર કરેલા 15માંથી સૌથી મોટો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બલ્ક ડ્રગનો હશે અને 817 હેકટર જમીનમાં પથરાયેલો હશે. બીજા નંબરે મોરબીનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક 425 હેકટર જગ્યામાં ઉભો કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસનુ ગ્રોથ એન્જીન જ ગણાય છે. ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકાર વખતોવખત પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરે જ છે. રાજકોટ સહિતના વિવિધ જિલ્લાના વેપાર-ઉદ્યોગ સંગઠનો ઔદ્યોગિક વસાહતો માટે રજુઆત કરવાની સાથોસાથ તેના નિયમો હળવા કરીને છુટછાટ વધારવાની માંગ કરતા જ રહ્યા છે. રાજય સરકારે એક સાથે 15 ઔદ્યોગિક પાર્ક એસ્ટેટને મંજુરી આપતા ઔદ્યોગિક વિકાસને નવુ જોર મળવાનું સ્પષ્ટ છે. રાજકોટ સહિતના જિલ્લાઓના ઉદ્યોગકારો ઔદ્યોગિક વસાહતોના આકરા નિયમો તથા ડબલ ડેકરોશન જેવી સમસ્યા દુર કરવા લાંબા વખતથી સરકારમાં રજુઆત કરી રહ્યા છે. (FILE PHOTO)