Site icon Revoi.in

વિદ્યાર્થીને મિત્રોની સાથે મસ્તી ભારે પડીઃ બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફારની નકલી યાદી વાયરલ કરી હતી

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની  મેમાં લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પરીક્ષાના કાર્યક્રમમાં તારીખમાં ફેરફાર કરીને બોર્ડે રિલિઝ કરી હોય તેવી નકલી યાદી બનાવીને વાયરલ કરનારા બાળ કિશોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢીને તેની અટક કરી હકી.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા 10-05-2021થી 25-05-2021 દરમિયાન યોજાશે તેવી અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી.   ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ પરીક્ષા 15મી જૂનથી 30 જૂન દરમિયાન યોજાશે તેવી અખબારી યાદી વાયરલ થઈ હતી. આ બાબતે કચેરી દ્વારા ચકાસણી કરતા ઉપરોક્ત અખબારી યાદીની તારીખોમાં ફેરફાર કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી વિદ્યાર્થી તેમજ વાલીઓ અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેના પગલે સંયુક્ત નિયામકની ફરિયાદના આધારે ગાંધીનગર સેકટર-7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે વાયરલ થયો હોવાથી સોશિયલ મીડિયા ઈન્ટરસેપશન તથા ટેકનીકલ એનાલીસીસ તેમજ ફિઝિકલ તપાસ કરતા આ નકલી અખબારી યાદી એક બાળ કિશોરે વાયરલ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેણે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પહેલી એપ્રિલના રોજ બોર્ડની વેબસાઇટ ઉપરથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખની અખબારી યાદી સહી સિક્કા સહિતની ડાઉનલોડ કરી હતી અને બાદમાં પોતાના મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા તારીખો એડિટ કરીને સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી.