Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે રૂ. 2 હજારની નોટ બદલવા મામલે થયેલી અરજીની સુનાવણીનો કર્યો ઈન્કાર

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઓળખ પત્ર બતાવ્યા વગર રૂ. 2000ની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે, આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. અરજદારે ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તાઓ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સર્વોચ્ચ અદાલતમાં અરજદારે જણાવ્યું હતું કે, નોટો બદલનારની ઓળખની ખરાઈ કર્યા વિના ભ્રષ્ટ અને રાષ્ટ્રવિરોધી તત્વોને ફાયદો થઈ રહ્યો છે. 29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે અરજીને નીતિ વિષયક ગણાવીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ તેમની અરજી મૂકતા અરજદારે દલીલ કરી હતી કે, રિઝર્વ બેંકનો નિર્ણય મનસ્વી છે. હાઈકોર્ટે મંજૂર કરીને ખોટું કર્યું છે. પરંતુ ન્યાયાધીશોએ અરજદારની અપીલ પર તરત જ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 લાખ કરોડ રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટો ભ્રષ્ટાચારીઓ, માફિયાઓ અથવા રાષ્ટ્ર વિરોધી શક્તિઓ પાસે હોવાની શકયતા છે. આવા સંજોગોમાં ઓળખ કાર્ડ બતાવ્યા વિના જ દેશ વિરોધી શખ્સો નોટ બદલીને ફાયદો ઉઠાવી રહ્યા છે. અરજદારે કહ્યું છે કે ભારતમાં આજે એવો કોઈ પરિવાર નથી કે જેનું બેંક ખાતું ન હોય. તેથી 2000 રૂપિયાની નોટ સીધી બેંક ખાતામાં જમા કરાવવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે વ્યક્તિ ફક્ત પોતાના ખાતામાં જ નોટો જમા કરાવી શકે અને કોઈ બીજાના ખાતામાં નહીં.