Site icon Revoi.in

લાઉડસ્પીકરના અવાજને લઈને સર્વોચ્ચ અદાલતે 17 વર્ષ પહેલા આપ્યો હતો મહત્વપૂર્ણ નિર્દેશ

Social Share

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં મનસેના નેતા રાજ ઠાકરેએ ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને તેના પડઘા દેશના અન્ય રાજ્યોમાં પણ પડ્યાં છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખવાના આદેશ કર્યાં છે. દરમિયાન સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન રાજકીય તજજ્ઞોએ લાઉડસ્પીકરના મુદ્દાને રાજકીય રંગ આપવાને બદલે કોર્ટે વર્ષ 2005માં આપેલા નિર્દેશોનું યોગ્ય પાલન કરવામાં આવે તો વિવાદનો અંત આવી શકે છે.

રાજકીય વિશ્વેષકોના જણાવ્યા અનુસાર લાઉડસ્પીકર વગાડવાને લઈને વર્ષ 2005માં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, મોટા અવાજ સાંભળવા માટે દબાણ કરવું એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. દરેક વ્યક્તિને શાંતિથી જીવવાનો અધિકાર છે. લાઉડસ્પીકર કે મોટા અવાજમાં બોલવું એ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં આવે છે પરંતુ આ સ્વતંત્રતા જીવનના અધિકારથી ઉપર હોઈ શકે નહીં. કોઈને પણ એટલો અવાજ કરવાનો અધિકાર નથી કે પડોશીઓ અને અન્ય લોકો પરેશાન થાય. લાઉડસ્પીકર વગાડતી વખતે કોઈપણ વ્યક્તિ અધિકારનો દાવો કરી શકતી નથી. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે સાર્વજનિક સ્થળે લગાવાયેલા લાઉડસ્પીકરનો અવાજ વિસ્તાર માટે નિર્ધારિત માપદંડોથી વધુ ન હોવો જોઈએ. જ્યાં પણ નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન થાય છે ત્યાં રાજ્યએ લાઉડસ્પીકર અને સાધનો જપ્ત કરવા અંગેની જોગવાઈ કરવી જોઈએ. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા માટે ખાસ પરવાનગી લેવી પડે છે અને જો રાજ્ય ઈચ્છે તો વર્ષમાં 15 દિવસ અમુક ખાસ પ્રસંગોએ 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી શકે છે. જો કે, 75 ડેસિબલ વધારે અવાજ ના હોવો જોઈએ. ખાનગી સાઉન્ડ સિસ્ટમનો અવાજ પણ 5 ડેસિબલથી વધુ ન હોવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં લાઉડસ્પીકરને લઈને 2005માં નિર્દેશ કર્યો હતો. 13 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો, તે મદદ માટે બૂમો પાડતી રહી પરંતુ પાડોશમાં લાઉડસ્પીકરના જોરદાર અવાજને કારણે કોઈને સંભળાતું ન હતું. તેની મદદે કોઈ આવ્યું નહીં. જેથી સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને અરજદારે ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો.