Site icon Revoi.in

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્ને ન ઉકેલાય તો શિક્ષક દિનથી આંદોલન કરશે

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં આર્ટ્સ, કોમર્સ કોલેજોના અધ્યાપકો અને સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો વચ્ચે પગાર ધોરણમાં વિસંગતતા જોવા મળે છે.  અન્ય અધ્યાપકોને ઈજાફા સહિત જે લાભો મળી રહ્યા છે, તે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને મળતા નથી. આ અંગે છેલ્લા મહિનાઓથી અધ્યાપકોના મંડળ દ્વારા સરકારને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસરો-અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઈને આગામી શિક્ષક દિવસથી આંદોલન કરવાની ચીમકી આપી છે. અધ્યાપકોને સરકારી ઇજનેરી કોલેજોમાં 12 વર્ષથી બઢતી નથી અપાઈ, 2017થી બંધ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા સહિત 6 પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવામાં આવશે.

ગુજરાતમાં સરકારી ડિગ્રી અને ડિપ્લોમાની એન્જિંનિયરિંગ કોલેજોના અધ્યાપકો પોતાને થતાં અન્યાય સામે છેલ્લા ઘણા સમયથી સરકારને રજુઆતો કરી રહ્યા છે છતાંયે સરકાર દ્વારા ઉપેક્ષા દાખલવામાં આવી રહી છે. જાન્યુઆરી 2016 પછી આવતી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની મુવમેન્ટને સાત વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને આ બાબતે અધ્યાપક મંડળ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. શિક્ષણ વિભાગમાં ઉચ્ચ શિક્ષણ હેઠળ આવતી B.Sc., B.Com. અને B.A. વિદ્યાશાખાના અધ્યાપકો ઇજનેરી કોલેજના અધ્યાપકો સમકક્ષ લાયકાત તેમજ પગારધોરણ ધરાવતા હોવા છતાં તેઓને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના લાભો ઘણા સમય પહેલા આપ્યા છે. પરંતુ ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ આવતાં અધ્યાપકોને આવા લાભો આપવામાં આવ્યા નથી. વિવિધ પ્રશ્નો અને માગણીઓ અંગે અધ્યાપક મંડળને વિવિધ કોલેજો તરફથી મળેલી રજૂઆતો સંદર્ભે આગામી શિક્ષક દિવસથી લઈ જ્યાં સુધી સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસરોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી જુદા જુદા આંદોલનને લગતા કાર્યક્રમો કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પ્રશ્નો ઉકેલવાની માગણી કરવામાં આવી છે. જેમાં જાન્યુઆરી 2016 પછી આવતી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંગે સત્વરે ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવે, તેમજ 12 વર્ષથી અટકી પડેલી વર્ગ-2માંથી વર્ગ-1માં બઢતીની પ્રક્રીયા સત્વરે હાથ ધરવી, જરૂરી લાયકાત ધરાવતા પ્રોફેસરોની અરજીઓ મગાવવી,  મેડિકલ તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રોફેસરોને આપ્યા મુજબ ઇજનેરી કોલેજોના પ્રોફેસરોની એડહોક સેવા નિયમિત સેવા સાથે જોડી સેવા સળંગના લાભ આપવા તેમજ પાંચ કે તેથી વધારે વર્ષથી એક જ જગ્યાએ સેવા આપનારા અધ્યાપકોની વિનંતીથી બદલીની અરજીઓનો યોગ્ય નિકાલ કરવો. અને ટેકનિકલ તેમજ વહીવટી કામગીરી હેતુ વર્ગ-3ની ખાલી જગ્યાઓ નિયમિત ઉમેદવારોથી કાયમી ધોરણે ભરી પ્રોફેસરો પરથી બિન-શૈક્ષણિક કામગીરીનો બોજ દૂર કરવાની માગણી કરવામાં આવી છે. આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મંડળનાં અલગ અલગ કોલેજના યુનિટ દ્વારા તમામ સભ્યોની મિટિંગ કરી ઉકેલ ન આવે ત્યાં સુધી શિક્ષક દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બરથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે. (file photo)