Site icon Revoi.in

સુરેન્દ્રનગરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા ઠેર ઠેર જોવા મળે છે. રખડતા ઢોરને લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે. અને અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય છે. નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપવાની તો જાહેરાત થઈ છે પણ હાલ નાગરિકાને પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ્સ. રોડ સહિત જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે પણ પુરતી સુવિધા આપવામાં હાલના નગરપાલિકાના સત્તાધિશો નિષ્ફળ નિવડ્યા છે.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના રસ્તા પર પશુઓના અડીંગાથી રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીઓ પણ પારવાર હાલાકી ભોગવી રહ્યા છે. શહેરમાં રખડતા પશુઓના કારણે લોકોને અકસ્માતે જીવ ગુમાવવાના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. તેમાંય ખાસ કરીને શહેરી વિસ્તારોના મુખ્ય માર્ગો પર દિવસે દિવસે આવા પશુઓનો વધારો થતા હવે લોકોને સાવચેતી સાથે પસાર થવાનો ઘાટ સર્જાયો છે.

સુરેન્દ્રનગર શહેરના હેન્ડલૂમથી ટાવર તરફના રસ્તાની વચ્ચે મુખ્ય શાકમાર્કેટ આવેલી છે. જ્યાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો પણ ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ આ રસ્તા પર રખડતા પશુઓના અડીંગાથી અને વારંવાર પશુઓ સામસામે આવી જતા કેટલીકવાર તો લોકોમાં પણ અફરાતફરી મચી જાય છે. આ ઉપરાંત આંબેડકર ચોક, મેગામોલ, આર્ટસ કોલેજ સહિતના માર્ગો પર પશુઓ સામસામે આવી જાય છે. આથી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભોગ બનવુ પડે છે. આથી આ માર્ગ પરથી રખડતા પશુઓની અવરજવર તેમજ અડીંગાઓ દૂર કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.