Site icon Revoi.in

વઢવાણના ઐતિહાસિક ગણાતા ગઢની દીવાલ તોડી પાડવામાં આવી, પાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય

Social Share

સુરેન્દ્રનગરઃ  વઢવાણ શહેરની ફરતે ઐતિહાસિક ગઢ આવેલો છે. ત્યારે આ ગઢની દીવાલ તોડી ત્યાં કોઈ ચોક્કસ જ્ઞાતીના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ગેટ બનાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. વઢવાણ શહેર ઐતિહાસિક છે. અને શહેર ફરતે ગઢને લઈને તેની આગવી ઓળખ છે. ત્યારે અંગત લાભ માટે ગઢની દીવાલ તોડીને ગેઈટ મુકવા સામે લોકોમાં વિરોધ ઊભો થયો છે.
​​​​​​​
વઢવાણ શહેર ઐતિહાસિક નગરી છે. આ શહેરની ફરતે ગઢ આવેલો છે અને તેમાં શહેરમાં જવાના ૭ દરવાજા આવેલા છે. શહેરની ફરતે આવેલા આ ગઢની દીવાલ જોવા દેશ વિદેશી પણ પર્યટકો અને લોકો આવે છે. ત્યારે કોઈ ચોક્કસ જ્ઞાતિની આ વિસ્તારમાં વાડી આવેલી છે તેમના અંગત લાભ માટે ગઢની દીવાલ તોડી ત્યાં ગેરકાયદેસર ગેટ નાખવાની હિલચાલના ભાગરૂપે આ ગઢની દીવાલ તોડી પડાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે ગઢની દીવાલ તોડવામાં આવી હોવા છતાં નગરપાલિકા તંત્ર, પુરાતન વિભાગ અને મામલતદાર સહિતના તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવ્યા હોવાથી લોકો સહિત ઇતિહાસકારોમાં નારાજગી જોવા મળી હતી. વઢવાણ શહેરના ઐતિહાસિક ગઢની દીવાલ વર્ષોથી અડિખમ રીતે ઊભી છે. ત્યારે ગઢની દીવાલ તોડી પાડવામાં આવતા આ અંગે નગરપાલિકામાં પણ રજુઆત કરવામાં આવી છે. શહેરના રાજકિય આગેવાનોને પણ શહેરના ઐતિહાસિક વારસાને જાળવી રાખવામાં કોઈ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.