Site icon Revoi.in

શબરી માતાના ડાંગની મહિલાઓએ બોર ઉપર રામના નામ લખીને માળાઓ તૈયાર કરી

Social Share

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. શબરીના વંશજ એવા ડાંગના આદિજાતિ પ્રજાજનો, નોખી અને અનોખી રીતે ભગવાન શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ પ્રગટ કરી રહ્યા છે. પ્રભુ શ્રીરામને દેશ અને દુનિયામાંથી અનેક વસ્તુઓ ભેટ તરીકે મોકલવામાં આવી રહી છે. ડાંગના ભીલ, વારલી, કુનબી, તથા આદિમજૂથના પ્રજાજનોએ ‘બોરનો હાર’ તૈયાર કરી પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિ, શક્તિ, અને આસ્થા પ્રગટ કરી છે.

ડાંગ જિલ્લાના તમામ 311 ગામોની આદિવાસી બહેનોએ એકત્ર થઈ ભક્તિપૂર્ણ માહોલમાં 108 બોરની એક એક માળા તૈયાર કરી છે. તમામ બોર ઉપર પ્રભુ શ્રીરામનું નામ લખ્યું છે. એક એક બોરને ડ્રિલ મશીનથી કાણા પાડીને માળામાં પરોવવામાં આવ્યા છે.

પ્રયોશા પ્રતિષ્ઠાનના સ્થાપક પી.પી.સ્વામીજીએ જણાવ્યું કે, ‘311 ગામોના 36 જેટલા શક્તિ કેન્દ્રોમાં દરેક ગામના બહેનો મંદિરમાં એકત્ર થાય. જ્યાં તેમને નવનિર્મિત શ્રીરામ મંદિર વિશે જાણકારી આપવામાં આવે. પછી પુષ્પ અને અક્ષતથી સંકલ્પ કરાવવાની સેવા વનવાસી કથાકાર બંધુઓ દ્વારા કરવામાં આવે અને રામધૂન સાથે વનવાસી બહેનો રામ સ્મરણ કરતા કરતા પ્રત્યેક બોર પર રામ નામ લખે. તમામ ગામમાં 108 બોર પર ‘રામ નામ’ લખેલો હાર તૈયાર થાય. તમામ 311 ગામોમાં સૂક્ષ્મ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. હજારો આદિવાસી બહેનોએ ઉત્સાહથી જોડાઈને પોતાને રામ કાર્યની આ તક મળી, તેની ધન્યતા અનુભવી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. 23 જાન્યુઆરીએ ડાંગના દીકરી ‘યશોદા દીદી’ ની આગેવાની હેઠળ બહેનો અયોધ્યા જઈને, આ ‘બોરની માળા’ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરશે.’