Site icon Revoi.in

સાયબર ક્રાઈમના અંડર કવર ઓફિસર તરીકેની ઓળખ આપીને રોફ જમાવતો યુવાન ઝબ્બે

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાંથી પોલીસ અધિકારીના સ્વાંગમાં રોફ જમાવનાર યુવાનને અસલ પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. યુવાન સાયબર ક્રાઈમના અંડર કવર ઓફિસર તરીકે ઓળખ આપતો હતો. તેમજ ઉચ્ચ અધિકારીના સ્વાંગમાં વિવિધ સેમિનારમાં પણ ઉપસ્થિત રહેતો હતો. એટલું જ નહીં તેણે પોતાના ઘરના દરવાજા ઉપર સાયબર ક્રાઈમ ગુજરાત પોલીસનું બોર્ડ પણ લગાવ્યું છે. પોલીસે આ યુવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કાલાવડ રોડ વિસ્તારમાં રહેતો સાહિલ મુલીયાણા પોતે સાયબર ક્રાઈમનો અંડર કવર ઓફિસર હોવાની લોકોને ઓળખ આપતો હતો. એટલું જ નહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિમિનારમાં પણ હાજરી આપતો હોવાની સાયબર ક્રાઈમને માહિતી મળી હતી. જેથી પોલીસે તપાસ આરંભી હતી. તેમજ તેના ઘરે છાપો મારીને સાલિહને ઝડપી લીધો હતો. યુવાન પાસેથી ડિપ્લોમા એન્જિનયરિંગનો અભ્યાસ કરનાર સાહિલ પાસેથી એરગન અને પોલીસનું ખોટુ ઓળખકાર્ડ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તપાસમાં સામે આવ્યું છે કે, યુવાનને અંડર કવર પોલીસ ઓફિસર બનવાનો અભરખો હતો. સાહિલે પોતાના રહેણાંક મકાન ઉપર પણ સાયબર ક્રાઇમ ગુજરાત પોલીસનું બોર્ડ લગાવ્યું હતું. આ ઉપરાંત તેણે નકલી આઈડી કાર્ડ પણ બનાવડાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે આરોપીએ કોઈને નિશાન બનાવી પૈસા પડાવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.