Site icon Revoi.in

ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

Social Share

અમદાવાદઃ ઉત્તરભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું ઝાપટુ પડ્યું હતું. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે.

રાજ્યામાં ત્રેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સુરત શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

શિયાળાની સીઝનમાં વરસાદ થતા ઠંડા પવનોની પણ અનુભૂતિ થઇ હતી. બીજી તરફ ભરૂચના જંબુસર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જંબુસર તાલુકાના કાવી ગામે કમોસમી વરસાદ પડ્યો હતો. જો કે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા હતા. માવઠાના કારણે ખેડૂતોના શિયાળું પાકને મોટું નુકસાન થવાની શકયતા છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાનપુર વિરપુર બાલાસિનોર લુણાવાડા કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદને પગલે જિલ્લામાં વાવેતર કરેલ ઘંઉ,બાજરી મકાઈ, ચણા, શાકભાજી,સહિત ઘાસચારામાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમજ અરવલ્લી અને  મોડાસામાં પણ માવઠું થયું હતું.

સૌરાષ્ટ્રના ભાવનગરમાં વહેલી સવારે માવઠાની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તાર વરસાદી ઝાપટાથી પાણી પાણી થઈ ગયા હતા. વડોદરાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ટુંડાવ, લામડાપુરા, પાલડી, લસુન્દ્રા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા.