અમદાવાદ, 4 ઓગસ્ટ 2026: There is no likelihood of heavy rain in Gujarat for the next week ગુજરાતમાં ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. સોમવારે 86 તાલુકામાં બે ઈંચથી લઈને વરસાદના ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ હવે એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નથી. જો કે ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જો કે, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે. પણ ભારે વરસાદની સંભાવના નહિવત છે. હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 4 ઓગસ્ટથી આગામી 9 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આમ, આગામી 6 દિવસ રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જ ક્ષેત્રોમાં વરસાદ આવશે. બાકીના વિસ્તારોમાં મેઘરાજા હાલ વિરામ પર છે. તટીય ક્ષેત્રમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ અને છૂટો છવાયો વરસાદની શક્યતા છે. માછીમારો માટે હાલ કોઈ સૂચના નથી આપવામાં આવી.
હવામાન વિભાગ અનુસાર, આગામી 4-5 ઓગસ્ટના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીના કેટલાક સ્થળોએ અને કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી 6-9 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ, રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે.

