Site icon Revoi.in

એન્ડ્રોઇડ ફોનમાં ઘૂસી શકે છે આ નવો ખતરનાક સ્પાયવેર ક્લેરેટ, તમારા ડેટાની કરશે ચોરી

Social Share

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારા માટે એક ગંભીર ચેતવણી છે. સુરક્ષા નિષ્ણાતોએ એક નવા અને વધુ જોખમી સ્પાયવેર ‘ક્લેરેટ’ વિશે ચેતવણી આપી છે, જે તમારા ફોનમાં ઘૂસીને તમારો બધો જ ડેટા ચોરી કરી શકે છે. આ સ્પાયવેર તમારા મેસેજ, કોલની સંપૂર્ણ માહિતી, ફોટા અને અહીં સુધી કે ફોનનું લોક પણ ખોલી શકે છે. આ સ્પાયવેર અગાઉ પણ આવ્યો હતો, પરંતુ હવે વધુ ખતરનાક સ્વરૂપમાં પાછો ફર્યો છે.

અહેવાલ મુજબ, ક્લેરૅટ તમારા ફોનમાંથી SMS મેસેજ, કોલ લોગ, ફોટા ચોરી કરી શકે છે. એટલું જ નહીં, તે જાતે કોલ કરી શકે છે અને તમારા તમામ કોન્ટેક્ટ્સને મેસેજ મોકલી શકે છે. સૌથી ભયજનક વાત એ છે કે જો તમને ખબર પણ પડી જાય કે ફોનમાં વાયરસ છે, તો તમે આ એપને અનઇન્સ્ટોલ નહીં કરી શકો અને તમારો ફોન બંધ પણ નહીં કરી શકો.

આ ખતરનાક સ્પાયવેર ઘણી અલગ-અલગ એપ્સના નામે આવે છે. આમાંની મોટા ભાગની એપ્સ યુટ્યુબ, ક્રોમ, વોટ્સએપ અથવા ટિકટોક જેવી જાણીતી એપ્સની નકલ કરે છે. અત્યાર સુધીમાં 700થી વધુ અલગ-અલગ ખતરનાક એપ્સ પકડાઈ ચૂકી છે. જેમ તમે ભૂલથી આવી કોઈ એપ ડાઉનલોડ કરો છો, તે સૌથી પહેલા ડિફોલ્ટ SMS એપ બનવાની પરવાનગી માંગે છે. ત્યારબાદ તે ‘એક્સેસિબિલિટી સર્વિસિસ’ ની પરમિશન માંગીને પોતાનો ખેલ શરૂ કરે છે. તમે જેવી આ પરમિશન આપો છો, સ્પાયવેર આપોઆપ પ્લે સ્ટોર બંધ કરી દે છે. તે તમારા ફોનની સ્ક્રીન પર જાતે જ ક્લિક કરતો રહે છે, જેથી ગૂગલ પ્લે પ્રોટેક્ટ કામ ન કરે.

લોક તોડે: તે તમારા ફોનનો પિન, પાસવર્ડ અથવા પેટર્ન લોક પણ ચોરી લે છે. પેટર્ન લોકમાં તમે જે લાઇન દોરો છો, તેની સંપૂર્ણ માહિતી મેળવી લે છે.

ડેટા ચોરી: તે તમારી સ્ક્રીનને રેકોર્ડ કરી શકે છે, આવનારા નોટિફિકેશન વાંચી શકે છે.

બેંકિંગ: નકલી સ્ક્રીન બતાવીને તમારા યુઝરનેમ અને પાસવર્ડ ચોરી શકે છે, અને બેંકિંગ એપ્સમાં પણ ઘૂસી શકે છે.

પ્લે સ્ટોર સિવાય ક્યાંયથી ડાઉનલોડ ન કરો: ક્યારેય પણ Google Play Store સિવાય અન્ય કોઈ જગ્યાએથી એપ ડાઉનલોડ ન કરો. યુટ્યુબ, વોટ્સએપ જેવી મોટી એપ્સ માત્ર Google Play Store પરથી જ ડાઉનલોડ કરો. કોઈએ લિંક મોકલી હોય તો પણ ન ખોલો.

‘એક્સેસિબિલિટી સર્વિસિસ’ ટાળો: કોઈપણ એપને ‘એક્સેસિબિલિટી સર્વિસિસ’ની પરમિશન ક્યારેય ન આપો. આ પરમિશન માત્ર ખાસ જરૂરિયાતવાળા લોકો (દિવ્યાંગો) માટે હોય છે. સામાન્ય યુઝરને કોઈપણ એપને આ પરમિશન આપવાની જરૂર નથી.

પ્લે પ્રોટેક્ટ ચાલુ રાખો: તમારા ફોનમાં પ્લે સ્ટોર ખોલો,  ઉપર જમણી બાજુએ તમારી પ્રોફાઇલ પર ટેપ કરો, ‘પ્લે પ્રોટેક્ટ’ માં જાઓ અને સેટિંગ્સ પર જાઓ, ખાતરી કરો કે ત્યાં બધું ચાલુ (ON) છે. જો કોઈ એપ તમને પ્લે પ્રોટેક્ટ બંધ કરવાનું કહે, તો તે એપને તાત્કાલિક ડિલીટ કરી દો.

Exit mobile version