Site icon Revoi.in

હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ, વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ

Three Indians killed in US attack in Hormuz
Social Share

નવી દિલ્હી, 11 જૂન 2026 – હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજા હુમલાથી સ્થિતિ વણસી રહી છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા અને ભારતીય નાગરિકોનાં નિધન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન આજે ઓમાનની ખાડીમાં ‘સેટેબેલો’ (Settebello) નામના જહાજ પર અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે ઓમાનના તટ પર આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકી સેનાના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોનું નિધન થયું છે, જેઓ પહેલા ગુમ થયા હોવાના અહેવાલ હતા.

ઓમાનની ખાડીમાં અમેરિકી સેનાએ જ્યારે આ સેટેબેલો જહાજ પર હુમલો કર્યો, ત્યારે તેના પર કુલ 28 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં 24 ભારતીય અને ચાર વિદેશી નાગરિકો (બે પાકિસ્તાની, એક યુક્રેનિયન અને એક રશિયન) સામેલ છે.

કોણે કોણે જીવ ગુમાવ્યો?

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સેટેબેલો જહાજ પર જે ત્રણ નાવિકોનું અવસાન થયું છે, તેમની ઓળખ ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ તરીકે થઈ છે. મેનેજમેન્ટ કંપનીને જહાજ પર હાજર બાકીના નાવિકો સાથે સંપર્ક સાધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દૂર્ઘટના ત્યારે થઈ, જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડની સેનાઓએ ઓમાનના તટ પર પલાઉના ધ્વજવાળા ઓઈલ ટેન્કર પર અટેક કર્યો. આરોપ છે કે આ ટેન્કર ઈરાની તેલ પર લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું.

ભારતે વ્યક્ત કરી નારાજગી

ભારતે આ હુમલા સામે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું છે કે જ્યારે જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે તેના પર સવાર 24 ભારતીયો અમેરિકી નૌસેનાના હુમલાની ચપેટમાં આવી ગયા.

ઓમાન તટ નજીક કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાની ભારત સરકારે આકરી નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે (MEA) બુધવારે જણાવ્યું કે જહાજ પર સવાર 24 ભારતીય ચાલક દળના સભ્યોમાંથી 21 ને સુરક્ષિત બચાવી લેવાયા છે. વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, ‘અમે ઓમાન તટ નજીક વાણિજ્યિક જહાજ ‘સેટેબેલો’ પર થયેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. જહાજ પર હાજર 24 ભારતીયોમાંથી અત્યાર સુધીમાં 21 ને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.’

જહાજો પર હુમલા ચિંતાજનક

મંત્રાલયે ઉમેર્યું કે આ વિસ્તારમાં જહાજો પર સતત થઈ રહેલા હુમલા અત્યંત ચિંતાજનક છે અને તે ત્યાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાટાઘાટોને સફળ બનાવવા અપીલ કરીએ છીએ, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકે. વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાને નિશાન બનાવવાની ઘટનાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ તથા આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત દરિયાઈ માર્ગો પર મુક્ત પરિવહન અને વ્યાપાર બહાલ થવો જોઈએ.’

ઓમાનના તટ નજીક 24 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જઈ રહેલા એક કોમર્શિયલ ટેન્કર પર હુમલો થયા બાદ, ભારતે બુધવારે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’અફેર્સને સમન્સ પાઠવ્યા હતા અને આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ પગલું અમેરિકાએ એ વાતની પુષ્ટિ કર્યા પછી લેવામાં આવ્યું છે કે, ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી દરિયાઈ નાકેબંધીના ભાગરૂપે તેણે આ જહાજને નિશાન બનાવ્યું હતું.

ટેન્કર ‘સેટેબેલો’ (Settebello) પર થયેલા હુમલા બાદ વિદેશ મંત્રાલય (MEA) ના એડિશનલ સેક્રેટરી (અમેરિકા) નાગરાજ નાયડુએ અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને સમન્સ પાઠવ્યા હતા. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં તણાવના તાજેતરના ઉછાળામાં ફસાયેલા પોતાના નાગરિકોની સુરક્ષા અંગે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

Exit mobile version