Site icon Revoi.in

બોરસદ પાસે પૂર ઝડપે કાર બાઈકને ટક્કર મારીને ટ્રક સાથે અથડાતા ત્રણના મોત,

Social Share

આણંદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં બારસદ નજીક પુરફાટ ઝડપે જતા કારે બાઈકને ટક્કર માર્યા બાદ સામેથી આવી રહેલા રેતી ભરેલા ડમ્પર સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા.જ્યારે બાઈક પર સવાર ત્રણ યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી. ભાદરણ પોલીસે અકસ્માત સર્જી મોતને ભેટેલા કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ત્રણેયના મૃતકોની જંત્રાલ ગામમાં એકસાથે અંતિમયાત્રા નીકળતાં આખુ ગામ હિબકે ચડ્યું હતું.

આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગત રાત્રીના સુમારે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજતા ગામમાં શોક પ્રસરી ગયો હતો અને સોમવારે બપોરે ત્રણેય યુવકોની સામુહિક અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. જંત્રાલમાં એક સાથે ત્રણ યુવાનોની અર્થી ઉઠી હતી.

પોલીસ સૂત્રોમાંથી અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતા 22 વર્ષીય જયેશભાઇ રબારી, તેમના પિતા રવાભાઈ રબારી અને મામા શંકરભાઈ ગતરોજ રાત્રિના સમયે બાઈક લઈને કણભા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતા હતા. તેઓ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતી કાર એકાએક જયેશભાઈની બાઈક સાથે અથડાઈ હતી. બાઇક સાથે અથડાયા બાદ બેકાબૂ બનેલી આ કાર રોંગ સાઇડે જઈને સામેથી આવતી એક રેતી ભરેલા ડમ્પરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારની ટક્કર વાગવાથી બાઇક સવાર જયેશભાઈ, તેના પિતા રવાભાઈ અને મામા શંકરભાઈ રોડ પર પટકાયા હતા, જેથી ત્રણેયને વત્તાઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ  ડમ્પર સાથે કાર ધડાકા સાથે અથડાતા કારનો કૂચો વળી ગયો હતો અને એમાં સવાર ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

આ અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ભાદરણ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જેસીબીની મદદથી ટ્રક ઊંચી કરાવી કારને બહાર કઢાવી હતી. એ બાદ જેસીબીથી કારનાં પતરાં ઊંચા કરી એમાં ફસાયેલા ત્રણેય મૃતદેહોને બહાર કઢાયા હતા. આ ત્રણેય મૃતકો બોરસદ તાલુકાના જંત્રાલ ગામના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બાઈકચાલક જયેશભાઇ રવાભાઈ રબારીની ફરિયાદને આધારે ભાદરણ પોલીસે આ અકસ્માત સર્જી મોતને ભેટનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.