Site icon Revoi.in

પાંડેસરાની ડાઇંગ મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના ઝેરી ગેસથી મોત

Social Share

સુરત, 7 માર્ચ 2026: ઉત્સવના માહોલ વચ્ચે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાંડેસરાની ‘મિલ’માં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ગૂંગળામણને કારણે ત્રણ પરપ્રાંતિય શ્રમિક યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ધૂળેટીની રાત્રે સર્જાયેલી આ ઘટનાને પગલે શ્રમિક આલમમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બિહારના રોહતાસ જિલ્લાના વતની અને હાલ ગણેશનગરમાં રહેતા ચાર યુવાનો અંકિત કુમાર (ઉ.વ. 19), સોનુ કુમાર પાસવાન, સંદીપ કુમાર પાસવાન (ઉ.વ. 22) અને અમરેન્દ્ર કુમાર (ઉ.વ. 23) ને રાત્રે કોન્ટ્રાક્ટ હેઠળ મિલની કેમિકલ ટાંકી સાફ કરવા બોલાવવામાં આવ્યા હતા. પ્રથમ ઇલેક્ટ્રિક મોટરથી પાણી ખાલી કર્યા બાદ સોનુ કુમાર ટાંકીમાં ઉતર્યો હતો, પરંતુ અંદર રહેલા ઝેરી ગેસને કારણે તે તરત જ બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પણ એકપછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા જીવલેણ ગેસને કારણે ચારેય ત્યાં જ ફસાઈ ગયા હતા.

ટાંકીમાં શ્રમિકોની બૂમાબૂમ સાંભળી મિલના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મહામુસીબતે ચારેયને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે અંકિત કુમાર, સોનુ કુમાર અને સંદીપ કુમારને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. ચોથા શ્રમિક અમરેન્દ્ર કુમારની હાલત ગંભીર હોવાથી હાલ તેને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકો કંપનીના કાયમી કર્મચારી નહોતા પરંતુ બહારથી સફાઈ કામ માટે બોલાવાયેલા શ્રમિકો હતા. ટાંકીમાં ગેસની પાઇપમાંથી લિકેજ થયું હતું કે કાદવના કારણે ગેસ બન્યો હતો તે દિશામાં એફએસએલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં જીવતો હાઈટેન્શન વાયર તૂટી પડતા બે યુવાનોના મોત

Exit mobile version