Site icon Revoi.in

ગુજરાતની વિધાસભા ચૂંટણી-2022માં BJPના MLAની કામગીરી જોઈને ટિકીટની ફાળવણી કરાશેઃ પાટીલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ દ્વારા તમામ 182 બેઠકો ઉપર જીતનો દાવો કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના હિંમતનગર ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાલના ભાજપના ધારાસભ્યોની કામગીરીના રિપોર્ટને ધ્યાનમાં રાખીને ટિકીટની ફાળવણી કરાશે, તેમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ હિંમતનગરના માર્ગો ઉપર રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમજ ટાઉનહોલમાં સભાને સંબોધી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.

2022 ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને કહ્યું હતું કે, 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ આપતાં પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટીકિટ આપવામાં આવશે. ટીકીટ ફાળવણીમાં કોઈ પણ લાગવકશાહી ચાલશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સંગઠનને વધારે મજબુત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.