Site icon Revoi.in

બંગાળ ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલમાં ભડકો: શુભેન્દુ અધિકારીને મળ્યા TMC ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી

Social Share

નવી દિલ્હી, 23 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવવા લાગ્યો છે. દિલ્હી સ્થિત જૂના બંગ ભવનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ ઋતબ્રત બેનર્જીની મુલાકાત થતાં બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચૂંટણી બાદ મમતા બેનર્જીના નેતૃત્વ અને પક્ષના નિર્ણયો સામે સવાલો ઉઠાવી ચૂકેલા ઋતબ્રત અને મુખ્યમંત્રી વચ્ચેની આ મુલાકાત બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક કલહ અને પક્ષપલટાની અટકળો તેજ બની છે.

મુખ્યમંત્રી બન્યા બાદ શુભેન્દુ અધિકારી શુક્રવારે પ્રથમ વખત દિલ્હી પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રવાસ દરમિયાન દિલ્હીના બંગ ભવનમાં સીએમ શુભેન્દુ અધિકારી અને ટીએમસી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં મુખ્યમંત્રી તેમના ખભા પર હાથ મૂકીને ખૂબ જ આત્મીયતાથી વાત કરતા જોવા મળ્યા હતા. જોકે, આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત બાદ મચેલા હોબાળા વચ્ચે બચાવ કરતા ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું હતું કે, આ એક તદ્દન આકસ્મિક મુલાકાત હતી અને તેમની વચ્ચે માત્ર સામાન્ય શિષ્ટાચારની આપ-લે થઈ હતી.

પરંતુ રાજકીય વર્તુળોમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે તૃણમૂલના ધારાસભ્ય અચાનક બંગ ભવન કેમ પહોંચ્યા? આ અંગે ખુલાસો આપતા ઉલુબેરિયા ઈસ્ટ બેઠકના ધારાસભ્ય ઋતબ્રતે જણાવ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ તરીકેનો તેમનો કાર્યકાળ એપ્રિલની શરૂઆતમાં જ પૂરો થઈ ગયો હતો. નિયમ મુજબ તેમને 3 મે સુધી સરકારી બંગલો ફાળવાયો હતો. બંગાળમાં 4 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ધારાસભ્ય તરીકે શપથ લેવાના હોવાથી તેઓ સમયસર દિલ્હી આવીને બંગલો ખાલી કરી શક્યા ન હતા. પરિણામે નિયમ મુજબ વધારાનું ભાડું ચૂકવવા અને પોતાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ જમા કરાવીને રેગ્યુલર પાસપોર્ટ મેળવવા માટે તેઓ દિલ્હી આવ્યા હતા. આ સરકારી કામ પતાવ્યા બાદ તેઓ લંચ માટે બંગ ભવન ગયા હતા, જ્યાં અચાનક મુખ્યમંત્રી સાથે ભેટો થઈ ગયો હતો.

ટીએમસીના ધારાસભ્યએ સીએમની કરી પ્રશંસા

બંગ ભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ઋતબ્રતને જોતા જ ‘ધારાસભ્ય સાહેબ’ કહીને સંબોધ્યા હતા અને બંને વચ્ચે હળવી મજાક પણ થઈ હતી. મુખ્યમંત્રીએ તેમને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સત્તાવાર કાર્યક્રમોમાં સંબંધિત વિસ્તારના ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જો ઋતબ્રત પોતાના વિસ્તાર (ઉલુબેરિયા ઈસ્ટ) માં સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે તો જનતામાં એક સકારાત્મક સંદેશ જશે. મુખ્યમંત્રીના આ પ્રસ્તાવ અંગે પૂછતા ટીએમસી ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “હું પક્ષને વફાદાર છું અને હાઈકમાન્ડ જે આદેશ આપશે તે જ કરીશ. પરંતુ એક વ્યક્તિ તરીકે મને મુખ્યમંત્રીનું આ વલણ ખૂબ જ સકારાત્મક અને આવકારદાયક લાગ્યું છે.”

ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર નેતૃત્વ સામે અવાજ ઉઠાવનારા ઋતબ્રત બેનર્જીની મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતે ટીએમસી કેમ્પમાં ભારે હલચલ મચાવી દીધી છે અને આગામી દિવસોમાં બંગાળના રાજકારણમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે.

Exit mobile version