Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતાઃ લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયો

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના માલવાહ વિસ્તારમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાન્તરૂનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. યુસુફ બે દાયકાથી કાશ્મીરમાં સક્રીય હતો. યુસુફે બે દાયકા પહેલા આતંકનો માર્ગ અપનાવ્યો હતો. આ દરમિયાન તેણે બે વખત બંદૂક છોડી આત્મસમર્પણ કર્યું હતું. જો કે, 2017 થી ફરી આતંકી પ્રવૃતિમાં જોડાયો હતો અને પહેલા કરતા વધારે ખુંખાર થઈ ગયો હતો અને સુરક્ષા જવાનોને પડકાર આપતો હતો.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાંતુર બારામુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તે નાગરિકો અને સુરક્ષાકર્મીઓની હત્યાની અનેક ઘટનાઓમાં સામેલ હતો. આઈજીપી કુમારે વધુમાં જણાવ્યું હતું કે બડગામ જિલ્લામાં તાજેતરમાં એક વિશેષ પોલીસ અધિકારી અને તેના ભાઈ, એક સૈનિક અને એક નાગરિકની હત્યામાં પણ તેની સંડોવણી હતી. લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અથડામણમાં ઠાર મરાતા મોટી સફળતા મળી છે.

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના રહેવાસી મોહમ્મદ યુસુફ ડાર ઉર્ફે યુસુફ કાંતરુ (ઉ.વ. 51) માલવાહ ગામમાં એક એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. બડગામ પોલીસને આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી. દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. યુસુફ ઠાર મરાયાની જાણ થતા જ તેના મૂળ ગામ ચેક કાવૂસામાં કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ સુરક્ષા જવાનો સાથે ઝપાઝપી કરી હતી. સૌથી ખતરનાક આતંકવાદીઓની યાદીમાં યુસુફનું નામ સામેલ હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના ઓપરેશનનો વડા હતો અને 2000માં હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હોવાનું માનવામાં આવે છે. તેણે 2012 અને 2015માં બે વખત આત્મસમર્પણ કર્યું હતું. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાની માર્યા ગયાના એક વર્ષ પછી, 2017માં યુસુફ ફરીથી આતંકવાદી પ્રવૃતિમાં જોડાયો હતો. 7 માર્ચના રોજ સમીર અહેમદ મલ્લા નામનો આર્મી મેન ગુમ થયો ત્યારે યુસુફ કાંતરુ સુરક્ષા એજન્સીઓના રડારમાં આવ્યો હતો.

(PHOTO-FILE)