Site icon Revoi.in

ખારાઘોડાના રણમાં અગરિયાઓને માટે પાણીના ટેન્કરો બંધ કરતા મુશ્કેલી

Social Share

સુરેન્દ્રનગરઃ  તાજેતરમાં તાઉ-તે’ વાવાઝોડાના પગલે વેરાન રણમાં બે દિવસ જોરદાર વરસાદ ખાબકતા રણમાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ. બીજી બાજુ રણમાં વરસાદના પગલે રસ્તો બંધ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીના ટેન્કરો બંધ કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણમાં ચારેબાજુ પાણી હોવા છતાં તરસ્યા બન્યા હોવાનો ઘાટ સર્જાયો છે.

ખારાઘોડાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 2000 અગરિયા પરિવારો હાલમાં વેરાન રણમાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનુ આકરૂ કામ કરી રહ્યાં છે. આ 2000 જેટલા અગરિયા પરિવારોને પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાર ટેન્કરો દ્વારા રણમાં એક એક ઝુપડે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારે અઠવાડિયા અગાઉ “તાઉ-તે” વાવાઝોડાના પગલે રણમાં વરસાદ ખાબકવાની દહેશતના પગલે પાટડી પ્રાંત અધિકાર અને મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા રણમાં મીઠું પકવતા તમામ અગરિયા પરિવારોને સલામત રીતે રણની બહાર કાઢી આખુ રણ ખાલી કરી દેવામાં આવ્યું હતુ.

‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે અઠવાડિયા અગાઉ ખારાઘોડા અને ઝીંઝુવાડાના વેરાન રણમાં બે દિવસ જોરદાર વરસાદ ખાબકતા રણમાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ. અને અગરિયાઓને મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતાં ગરીબ અને પછાત અગરિયા પરિવારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી બાજુ રણમાં વરસાદના પગલે રસ્તો બંધ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીના ટેન્કરો બંધ કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓ રણમાં ચારેબાજુ પાણી જ પાણી હોવા છતાં પીવાના પાણીની એક-એક બુંદ માટે રીતસરના વલખાં મારવાની સાથે તરસ્યા બન્યા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

હાલમાં રણમાં અગરિયાના ઝુપડે 20 દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કરો દ્વારા પહોંચે છે. ત્યારે બીજી બાજુ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે રણમાં બે દિવસ પડેલા વરસાદનું પાણી અગરિયાઓના પાટાને ઘમરોળતા અગરિયા સમુદાયને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સાચુ અને કડવું સત્ય તો એ છે કે છેવાડાનો માનવી ગણાતો અગરિયો આજેય 18મી સદીમાં જીવતા હોય એવી કફોડી હાલત છે.