નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ‘ઇસ્લામિક નાટો’ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ પાકિસ્તાનને તુર્કીએ આંતરરાષ્ટ્રીય મંચ પર મોટો ઝટકો આપ્યો છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે તેમનો દેશ કોઈ પણ નવા ભૌગોલિક-રાજકીય જૂથનો હિસ્સો બનશે નહીં. આ નિવેદનથી પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની તે આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં તુર્કી સાથે મળીને એક નવું સંરક્ષણ ગઠબંધન રચવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને પ્રાદેશિક સુરક્ષા માળખા પર વાત કરતા જણાવ્યું હતું કે, “પ્રદેશની મુખ્ય સમસ્યા માત્ર બહારનો હસ્તક્ષેપ નથી, પરંતુ દેશો વચ્ચે રહેલી વિશ્વાસની ગંભીર અછત છે. જ્યાં સુધી પ્રાદેશિક દેશો પોતાની સમસ્યાઓની જવાબદારી પોતે નહીં સ્વીકારે, ત્યાં સુધી સ્થિરતા આવી શકશે નહીં.” તેમણે દેશોને સલાહ આપતા કહ્યું કે, પોતાની સુરક્ષાની જવાબદારી અન્ય દેશો કે શક્તિઓને ‘આઉટસોર્સ’ કરવી જોખમી છે. ફિદાને આ ભૌગોલિક વ્યૂહરચના અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તુર્કી એવા સહયોગના પક્ષમાં છે જે સર્વસમાવેશી હોય. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “ન તો તુર્કીનું પ્રભુત્વ, ન આરબ પ્રભુત્વ અને ન તો ફારસી પ્રભુત્વ. અમારો ઉદ્દેશ્ય સામૂહિક જવાબદારી અને નિયમો પર આધારિત પ્રાદેશિક એકતા મંચ બનાવવાનો છે, જે બાહ્ય શક્તિઓ પરની નિર્ભરતા ઘટાડે.”
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા
લાંબા સમયથી એવી અટકળો હતી કે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી મળીને એક નવું મિલિટરી એલાયન્સ બનાવી શકે છે. ખાસ કરીને પેલેસ્ટાઈન મુદ્દે આ ત્રણેય દેશો એકસમાન વિચારધારા ધરાવે છે. જ્યારે બીજી તરફ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ‘અબ્રાહમ કરાર’ દ્વારા ઈઝરાયેલ સાથે સંબંધો સુધાર્યા છે, જેના કારણે મુસ્લિમ દેશોમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે. આવા સમયે તુર્કીનું અંતર જાળવવાનું વલણ સાઉદી અને પાકિસ્તાન માટે વ્યૂહાત્મક હાર સમાન છે. તુર્કી હાલ મધ્ય પૂર્વમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. સાઉદી સાથેના તેના સંબંધોમાં સુધારો થયો છે, પરંતુ કોઈ નવું લશ્કરી જૂથ બનાવીને તે પશ્ચિમી દેશો કે અન્ય શક્તિઓ સાથે સીધો સંઘર્ષ ટાળવા માંગતું હોય તેમ જણાય છે.

