Site icon Revoi.in

20 વર્ષ પછી અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારમાંથી અમેરિકાએ સૈન્ય હટાવ્યું

Social Share

નવી દિલ્લી: અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતિ મુજબ અમેરિકા પોતાનું સૈન્ય અફ્ઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે તેવી સમજૂતિ કરવામાં આવી છે. આ માટે અમેરિકાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આવા સમયમાં અમેરિકાના સૈન્ય દ્વારા 20 વર્ષ બાદ અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે એટલે કે ત્યાંથી પોતાનું સૈન્ય હટાવી લેવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાનમાં બગરામ યુદ્ધભૂમિમાં અમેરિકાના સૌથી વધુ સૈનિકો તૈનાત હતા. એ યુદ્ધભૂમિ અમેરિકન સૈનિકોએ સત્તાવાર રીતે અફઘાનિસ્તાન નેશનલ સિક્યુરિટી એજન્સીને સોંપી દીધી હતી.

અમેરિકન સૈન્ય સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. પ્રમુખ જો બાઈડેનના નિર્ણય પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના બધા જ સૈનિકો પાછા ફરી જશે. તેના ભાગરુપે ગત મે માસથી સૈનિકોની ઘરવાપસી શરુ થઈ ગઈ છે. હવે અમેરિકાએ સૌથી મહત્વનો વિસ્તાર છોડી દીધો છે.

સૈન્યના જવાનોએ તેમના શસ્ત્ર-સરંજામનો હિસાબ મેળવવાનું શરુ કરી દીધું છે અને અફઘાનિસ્તાન છોડવા માટેની અંતિમ તૈયારીને ઓપ અપાઈ રહ્યો છે. અમેરિકન સૈનિકોની ઘરવાપસી થાય ત્યારે તાલિબાની હુમલાનો જવાબ આપવા માટે અમેરિકા ખાસ કમાન્ડો પણ અફઘાનિસ્તાનમાં તૈનાત કરી દીધા છે. બગરામ વિસ્તારમાંથી અમેરિકી સૈન્યની પીછેહઠ થઈ તે સાથે જ એ વિસ્તારમાં તાલિબાની આતંકવાદીઓ હુમલા કરશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે અમેરિકન સૈન્યની ઘરવાપસી થશે તે પછી અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળે એવી પણ પૂરી શક્યતા છે.

જો કે જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે તાલિબાન એ અમેરિકાના સૈન્યના જવા પછી વધારે આક્રમક બની જશે અને તેના કારણે લોકોમાં પણ વધારે ડર ફેલાવવાનો ભય રહેલો છે. હાલ અફઘાનિસ્તાનમાં 370 જિલ્લા છે. એમાંથી અત્યારે 50 જિલ્લા તાલિબાની આતંકવાદીઓના કબજા હેઠળ છે.

Exit mobile version