Site icon Revoi.in

અભિનેતા સલમાન ખાનના ઘર પાસે ગોળીબાર કેસમાં બે આરોપીઓની ધરપકડ

Social Share

અમદાવાદઃ મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોડી રાત્રે આ મોટી સફળતા મળી છે. સમાચાર અનુસાર, ગુજરાત પોલીસની ટીમે પશ્ચિમ કચ્છમાંથી બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આજે બંને આરોપીઓને લઈને મુંબઈ રવાના થશે. બંનેની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવશે. રવિવારે અભિનેતા સલમાનના ઘરની બહાર બાઇક સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ પણ સામે આવ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શૂટરોએ થોડા દિવસો પહેલા બાંદ્રામાં સલમાનના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી કરી હતી. પોલીસને શંકા છે કે અનમોલે ફેસબુક પોસ્ટ કરવા માટે VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગની જવાબદારી સ્વીકારતી ધમકીભરી ફેસબુક પોસ્ટ પોર્ટુગલના ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલે કરી હતી.

બોલીવુડના અભિનેતા સલમાન ખાનના ઘર પાસે બે દિવસ પહેલા જ ગોળીબારની ઘટના બની હતી જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ સલમાન ખાનના ઘર પાસે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગોળીબાર કરનારાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.