Site icon Revoi.in

પંચમહાલના કાલોલમાં બે જૂથો બાખડી પડ્યાઃ તોફાની તત્વોએ પથ્થરમારો કરતા PI, PSI ઘવાયા

Social Share

કાલોલઃ  પંચમહાલના કાલોલમાં બે જૂથ બાખડી પડ્યા હતા. આ બનાવ બાદ અહીં તોફાનો જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરિસ્થિતિ વણસી જતા જિલ્લા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પણ જોરદાર પથ્થરમારો કર્યો છે. જેમાં PI-PSI સહિતના જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.  બેકાબૂ બનેલા ટોળાંને વિખેરવા માટે પોલીસને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કાલોલમાં બે જૂથ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આખા કાલોલમાં હાહાકાર મચાવ્યો હતો. બેકાબૂ બનેલાં ટોળાંએ તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાઈ હતી. જેના કારણે લોકો પોતાની દુકાનો ટપોટપ બંધ કરવા લાગ્યાં હતાં. લોકો ધંધો રોજગાર બંધ કરીને ઘર તરફ દોડ્યાં હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

દરમિયાન બેકાબૂ બનેલા ટોળાંએ પોલીસ પર પણ જોરદાર પથ્થમારો કર્યો હતો. જેમાં પી.આઈ. અને પી.એસ.સાઈ સહિતના જવાનોને ઈજા પહોંચી હતી. જે બાદ ટોળાંને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ અને ટિયર ગેસના સેલ છોડવા પડ્યાં. એટલું જ નહીં પરિસ્થિતિ વધારે વણસે નહીં એ માટે સમગ્ર જિલ્લામાંથી પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયેલો છે.

બીજી તરફ, સૂત્રોનું માનીએ તો એવી પણ વિગતો સામે આવી છે કે, કાલોલ શહેરમાં પોલીસ એક આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. આરોપીની પાછળ પાછળ અસમાજીક તત્વોનું ટોળુ પણ દોડી આવ્યું અને થોડી જ વારમાં પથ્થમારો શરૂ કરી દીધો. જો કે,આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારાં કોમ્બિંગ હાથ ધર્યું છે અને પથ્થરમારામાં સામેલ શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.