Site icon Revoi.in

અમદાવાદના ઉસ્માનપુરા કેન્દ્રમાં બે જૈનમુનિ આપી ધોરણ 10ની પરીક્ષા, બોર્ડ દ્વારા અલગ વ્યવસ્થા કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.  પરીક્ષાના પ્રથમ દિવસે  લાખો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે  પરીક્ષા આપી હતી. અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પર 2 જૈન મુનિ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. મુનિ તેમના પોશાકમાં જ ધોરણ 10ની પરીક્ષા આપવા આવ્યા હતા. બન્ને  મુનિઓએ પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી.

અમદાવાદ શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર પર બે જૈન મુનિઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. શ્વેતાંબર જૈન સમાજના મુનિ અર્હમ અને મુનિ ધ્રુવ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જેમની સાથે તેમના અન્ય ગુરુ પણ આવ્યા હતા.પરીક્ષા કેન્દ્રના ગેટની બહાર જ પોતાના ગુરુને પગે લાગીને બંને મુનિ પોતાની બેઠક વ્યવસ્થાએ પહોંચ્યા હતા. પરીક્ષા આપવા પહોંચેલા મુનિ કુમારોએ જણાવ્યું હતું કે, જ્ઞાન વિના તપસ્યા કે આરાધના એ શક્ય નથી. જેથી તેઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, પરીક્ષા માટે તેમને મહેનત પણ કરી છે. 15 વર્ષના મુનિ અર્હમકુમાર મહારાષ્ટ્રના કોલ્હાપુરના છે, જેઓ દીક્ષા લઈને અમદાવાદમાં રહે છે. જ્યારે મુનિ ધ્રુવકુમારની ઉંમર 20 વર્ષ છે અને રાજસ્થાનના નકોડાના છે, જેઓ દીક્ષા બાદ અમદાવાદમાં રહે છે. આ બંને વિદ્યાર્થીઓ એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. અર્હમ કુમારે 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમણે  જણાવ્યું હતું કે, મેં 2020માં દીક્ષા લીધી હતી, ત્યારે મારી ઉંમર 13 વર્ષ હતી. મેં 7માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ધર્મ સાથે બહારનું જ્ઞાન આવે અને તે અમે લોકો સુધી પહોંચાડી શકીએ તે માટે અમે પરીક્ષા આપી રહ્યા છીએ. 1 મહિના અગાઉ જ અમે પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી.અમારે 10 બાદ 12 અને ત્યારબાદ BA સુધી અભ્યાસ કરવો છે. મુનિ થયા પરંતુ અભ્યાસ કરવો જરૂરી છે.

બંને મુનિનું કહેવું છે કે ધર્મ અને ગ્રંથના જ્ઞાનની સાથે ધર્મના ફેલાવવા માટે શિક્ષિત હોવું પણ જરૂરી છે. જેને ધ્યાને રાખીને બંને મુની તપસ્વીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા તેમના માટે તેમના ધર્મ અને નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે થાય તે માટે અલગથી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના વર્ગમાં અન્ય કોઈ વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. તે પીવાનું પાણી પણ તેમના સાથે અલગથી લઈને આવ્યા હતા.