Site icon Revoi.in

લીંમડીના શિયાણી પાસે કાર પલટી જતાં બેના મોત,વસ્તડી પાસે કારે અડફેટે લેતા રાહદારીનું મોત

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. લીમડી-લખતર રોડ પર આવેલા શિયાણી ગામ પાસે પુરફાટ ઝડપે આવતી કારનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા નાળામાં ખાબકતા કારમાં મુસાફરી કરી રહેલા બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માત લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામ પાસે સર્જાયો હતો. જેમાં હાઈવેની સાઈડ પર જામફળ અને બોર વેચતી રેકડી પર ખરીદી કરવા ઊભેલા એક રાહદારીને પુરફાટ ઝડપે આવેલી કારના મહિલાચાલકે અડફેટે લેતાં રાહદારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, લીંબડી લખતર રોડ પર કારચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. લીંબડી-લખતર રોડ પર ઘાઘરેટિયા અને શિયાણી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે જતી કારના કાર ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બેકાબુ કાર નાળામાં ખાબકતા પાણીમાં ડૂબીત જતાં બંને યુવાનોના  ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૂળ લીબડી તાલુકાના ઉઘલ ગામના અને હાલ રાજકોટ રહીને પટોળાનો વેપાર કરતાં યુવાનો તાવી ગામે પટોળાનું કામ આપીને પરત ફરતાં  હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ  ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.

બીજા અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે, કે,  લીંબડી-રાજકોટ હાઈવે પર વડોદ અને વસ્તડી વચ્ચે મહિલા કાર ચાલકે રસ્તા પર ફળ લેવા ઉભેલા વ્યક્તિને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ફળનુ વેચાણ કરતા લારીધારક અને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર અકસ્માત બાદ કાર રોડ પર પલટી મારતા મારતા સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.