Site icon Revoi.in

અમદાવાદમાં ભંડેરીની પોળમાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી, 3 લોકોને બચાવાયાં

Social Share

 

અમદાવાદઃ  શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરીની પોળમાં  સવારે બે માળનું જુનું મકાન ધરાશાયી થયુ હતું. જેમાં મકાનમાં રહેતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે મકાન જર્જરિત અને જૂનું હોવાથી પડ્યું હોવાનુ ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે કાલુપુર ભંડેરી પોળમાં એક મકાન પડ્યું છે અને કેટલાક લોકો દબાયા છે. જેથી પાંચકુવા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી 20 મિનિટમાં ત્રણેય વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જૂનું મકાન હોવાથી વરસાદના કારણે પડી ગયું હતું.

ઉલ્લેખનિય છે. કે, શહેરમાં પોળ વિસ્તારમાં આવેલા કેટલાક મકાનો જર્જરિત હોવાથી ચોમાસામાં વરસાદને કારણે ઘરાશાયી થતા હોય છે. બે મહિના અગાઉ દરિયાપુરમાં લખોટાની પોળની આસપાસમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.