Site icon Revoi.in

દેશમાં કુદરતી આફતને કારણે એક વર્ષમાં 2000 વ્યક્તિઓના મૃત્યુ, લાખો હેક્ટરમાં પાકને નુકશાન

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કુદરતી આફતોને કારણે વર્ષ 2022-23માં લગભગ 1997 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. આ ઉપરાંત 30615 પશુઓના મૃત્યુ થયાં હતા. કુદરતી આફતોને કારણે 18,54,901 હેક્ટરમાં પાકને નુકશાન થયું હતું.

લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, દેશમાં કુદરતી આફતોના કારણે વર્ષ 2022-23માં કુલ 1997 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આફતને કારણે 18,54,901 હેક્ટર પાક પણ નાશ પામ્યો છે. ભારત જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે, જેના કારણે કુદરતી આફતોમાં વધારો થશે. એશિયા પેસિફિક ડિઝાસ્ટર રિપોર્ટ 2021માં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની 60 ટકા ગરીબ વસ્તી રોગ, કુદરતી આફતોના જોખમમાં છે. એવી આશંકા છે કે વર્ષ 2040 સુધીમાં, લગભગ 71 ટકા સંવેદનશીલ વર્ગોની વસ્તી જળવાયુ પરિવર્તનને કારણે આફતોનો શિકાર બનશે.

ગ્લોબલ વોર્મિંગને પગલે છેલ્લા કેટલાક વર્ષોમાં વાતાવરણમાં પરિવર્તન આપ્યું છે. જેને કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની સિઝન સિવાય પણ અનેકવાર કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં લગભગ 1547 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2017-18 થી જાન્યુઆરી 2022 સુધીમાં રાજ્યમાં 1547.87 કરોડનું રોકાણ આવ્યું છે.