Site icon Revoi.in

ગોંડલના કમઢિયા ગામ નજીક બે બાઈક સામસામે અથડતાં બે યુવાનોના મોત

Social Share

રાજકોટઃ ગોંડલના કમઢિયા ગામ પાસે  વહેલી સવારે પૂર ઝડપે આવી રહેલા બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  નવાગઢના બંને મિત્રો કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન બાઈક અકસ્માત સર્જાયો હતો. બે મિત્રોના એકસાથે મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  ગોંડલના કમઢીયા ગામ પાસે મામાદેવના મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવાગઢ ગામથી હરિભાઈ મકવાણા (ઉંમર 17 વર્ષ) તથા પ્રકાશ ભવાનભાઈ મેણીયા (ઉંમર 20 વર્ષ) નામના બે મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે મંદિર જતા સમયે તેમની બાઈક સામેથી આવી રહેલી  બાઈક સાથે અથડાઈ હતી. વહેલી સવારે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોના ત્યાં જ મોત નિપજ્યા હતા. જોકે, બંને યુવકોની બાઈકને ટક્કર મારીને અકસ્માત સર્જનાર અન્ય બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો.

આ બનાવની  જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકોને સારવાર આપવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ બંને મોતને ભેટ્યા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર બંને યુવકો જેતપુરના નવાગઢ ગામના રહેવાસી હતા. આ અકસ્માતના બનાવની સુલતાનપુર પોલીસ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ અકસ્માતનો ભોગ બનેલા બને મૃતક યુવાનો નવાગઢ અને સરધારપુર રહે છે અને ડાઇંગના કારખાનામાં છૂટક મજૂરી કામ કરતા હતા. મૃતક હિતેશ હરિભાઈ મકવાણા (ઉ.વ. 17) ને પરિવારમાં બે ભાઈઓમાં સૌથી નાનો હતો. તો પ્રકાશ ભવનભાઈ મેણીયા (ઉ.વ. 20) માતા પિતા અને બે ભાઈઓમાં સૌથી નાનો હતો. અકસ્માત સર્જીને ફરાર થયેલા બીજા બાઈક ચાલકને પકડી પાડવા સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.