Site icon Revoi.in

બગોદરા પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા બે યુવાનોના મોત, બેને ઈજા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા નજીક રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે બે યુવાનોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ બગોદરા નજીક રાત્રે કોઈ અજાણ્યા વાહને પુરફાટ ઝડપે આવીને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માત બાદ અજાણ્યુ વાહન પલાયન થઈ ગયું હતું. આ બનાવની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  બાવળા નજીક આવેલા ગાંગડ ગામના ચાર યુવકો મોડી રાતે જમવા માટે ઘરેથી કારમાં સવાર થઈને નીકળ્યા હતા. અમદાવાદ-રાજકોટ હાઈવે પર કાર બગોદરા નજીક પહોંચી ત્યારે કોઈ મોટા વાહને તેમની કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચારે યુવકોને ગંભીર ઈજા થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અને અકસ્માતના બનાવની જાણ પોલીસને કરી હતી, આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના મોત થયા હતા, જ્યારે બે યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. મોડી રાતે બનેલા અકસ્માત બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે નોંધ કરીને તપાસ શરૂ કરી છે. બગોદરા હાઇવેના રોજકા ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો હતો.

Exit mobile version