નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ નાટોના સભ્ય નહીં બનવાનો નિર્ણય લીધો છે. તેમજ જેલેંસ્કીએ નાટોની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેન હવે નાટોનું સભ્યપદ નહીં લે, તેઓ અલગ-અલગ રશિયન સમર્થિત વિસ્તાર ડોનેટ્સ્ક અને લુગાંસ્કની સ્થિતિ ઉપર સમાધાન કરવા તૈયાર છીએ. જેને રાષ્ટ્રપતિ યુતિનએ 24 ફેબ્રુઆરીએ આક્રમણ શરુ કરતા પહેલા સ્વતંત્ર જાહેર કરીને માન્યતા આપી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિએ આ નિર્ણય રશિયાને શાંત કરવાના ઈરાદાથી લીધો હોવાનું જાણવા મળે છે.
જેલેંસ્કીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, નાટો યુક્રેનનો સ્વીકાર કરવા તૈયાર નથી, નાટો વિવાદાસ્પદ વસ્તુઓ અને રશિયા સામ અથડામણથી ડરી રહ્યું છે. નાટોની સભ્યતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હું એવા દેશનો રાષ્ટ્રપતિ નથી બનવા માંગતો જે ઘુંટણ ઉપર બેસીને કંઈ માગી રહ્યો હોય.
રશિયાએ અગાઉ કહ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે પડોશી દેશ યુક્રેન નાટોમાં સામેલ થાય, રશિયા નાટોના વિસ્તારને એક ખતરાની રૂપે જોવે છે. તેઓ પોતાના દરવાજા પાસે પશ્ચિમી સહયોગી સેના ઈચ્છતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનની સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. તેમજ રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ ઉપર સતત હુમલા થઈ રહ્યાં છે. આ ઉપરાંત યુક્રેનના અન્ય શહેરો ઉપર પણ રશિયન સૈન્ય હુમલા કરી રહ્યું છે.

