Site icon Revoi.in

ઉમરેઠઃ બિલ્ડર પાસેથી નાયબ મામલતદાર રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉમરેઠમાં મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયાં હતા. જમીનનું ક્ષેત્રફળ સુધારવા મામલે મામલતદારે બિલ્ડર પાસેથી લાંચની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર જયપ્રકાશ પુરૂષોત્તમભાઈ સોલંકી પાસે ભાલેજના બિલ્ડર આવ્યાં હતાં. આ બિલ્ડર જમીન ખરીદી પ્લોટીંગ કરી કન્સ્ટ્રકશનનું કામ કરે છે અને હાલમાં 11 વીઘા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જોકે, આ જમીનના ક્ષેત્રફળ બાબતે ક્ષતિ જણાતા ક્ષતિ સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે આવ્યાં હતાં. જે બાબતે નાયબ મામલતદાર જે. પી. સોલંકીએ પાકી નોંધ પ્રમાણિત કરવા માટે પ્રથમ રૂ. 3 લાખની લાંચની માગણી કરી હતી. જોકે, રકઝક થતાં આખરે રૂ. 2.25 લાખમાં આપવાનું નક્કી થયું હતું. આ બાબતે બિલ્ડરના ભત્રીજાએ નડિયાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ આપતાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ચૌધરી સહિતની ટીમ દ્વારા છટકું ગોઠવી નાયબ મામલતદારને લાંચના નાણા સ્વીકારતા છટકામાં રંગેહાથ પકડાઇ ગયાં હતાં.

એસીબીની ટ્રેપમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. એસબીએ તેમની ઓફિસ અને ઘરે તપાસ કરી હતી. તેમજ તેમની સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધીને તપાસ આરંભી હતી.

(PHOTO-FILE)