અમદાવાદ, 12 મે 2026: શહેરમાં રમાઈ રહેલી અંડર-14 ઇન્ટર એકેડમી ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં GCI (ગુજરાત ક્રિકેટ ઇન્સ્ટિટ્યૂટ) એ શાનદાર પ્રદર્શન કરતા એમ્પાવર એકેડમીને 139 રનના મોટા અંતરે પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એપોલો ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ધ્વૈત શાહની સદી અને હેત પટેલની ધારદાર બોલિંગ મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
ટોસ જીતીને એમપાવરે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી GCI ની ટીમે નિર્ધારિત 35 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 258 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. કેપ્ટન ધ્વૈત શાહે જવાબદારીપૂર્વક રમતા માત્ર 100 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 101 રન ફટકાર્યા હતા. તેને યુવાંશ જૈન (59 રન, 42 બોલ) અને શ્લોક પટેલ (44 રન) તરફથી સારો સાથ મળ્યો હતો. એમપાવર તરફથી પ્રયાગ શાહ, વંશ ઠાકોર અને માહિક શાહે 1-1 વિકેટ ઝડપી હતી.
259 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી એમ્પાવરની ટીમ GCI ના બોલરો સામે લાંબો સમય ટકી શકી નહોતી અને 31.2 ઓવરમાં માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી માત્ર કેપ્ટન જહાન એસ. એ લડત આપતા 67 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ માંડ નોંધાવી શક્યો હતો.
GCI ના બોલરોએ મેચ પર પકડ મજબૂત રાખતા હેત પટેલે 5 ઓવરમાં માત્ર 13 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. જ્યારે વિવાન ત્રિવેદી અને આદિત્ય પુરસ્વાનીએ 2-2 વિકેટ મેળવી એમપાવરની કમર તોડી નાખી હતી.

