Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે, ખેડૂતો સાથે કર્યો સંવાદ

Social Share

અમદાવાદઃ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

ભારત દેશને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે એવું ઉમેરતા તેમજ કાજલી એપીએમસીની સુવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકારની ઈમાનદાર વ્યવસ્થાના પરિણામે વચેટિયાઓની નાબૂદી થઈ છે અને ખેડૂતો તેમજ વેપારીઓને યોગ્ય ફાયદો થયો છે.

ગુજરાતની અલગ-અલગ એપીએમસી આ બાબતના મોડલ બન્યા છે. ઇખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતને ડિજિટલ સુવિધા મળતી થઈ છે. કૃષિ મહોત્સવના માધ્યમથી અલગ અલગ જાણકારી મળતી રહે છે. સોઈલ હેલ્થ કાર્ડ લાવી સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. સમગ્ર ભારતવર્ષના ખેડૂતોની ખેતપેદાશ પર કેન્દ્રમાં પણ ચર્ચા અને ચિંતન થાય છે. જે સરકારની જગતના તાત પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.

સરકાર અને એપીએમસી સાથે મળી એક પારદર્શક વ્યવસ્થા ઉભી કરી છે અને ખેડૂત-વ્યાપારી તેમજ એપીએમસી એક ભાઈચારાના વાતાવરણ સાથે કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ મગફળી, નારિયેળનું ઉત્પાદન, ચણા, સોયાબીનનું ઉત્પાદન, કઠોળના ભાવ, કોમોડિટી, ટેકાના ભાવ વગેરે વિશે સૂચનો સહ સંવાદ સાધ્યો હતો.