અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનીક સકર્યુલેશન અસરના પગલે કચ્છ જિલ્લામાં સાતથી આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. વાગડ પંથકમાં છેલ્લા બાર કલાકમાં આઠેક ઈંચ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન અંજાર, ભચાઉ, ભુજમાં બે જ્યારે રાપરમાં એક તેમજ અન્યત્ર તાલુકામાં પણ વરસાદ નોંધાયો.
કચ્છમાં લોપ્રેશર સીસ્ટમ સક્રીય થયા પછી ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. 24 કલાક દરમિયાન જિલ્લામાં હવામાન વિભાગની આગાહી કરતાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી. જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાતથી આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ખાસ તો રાપર ભચાઉ તાલુકાના નદીઓ અને નાળા, કોતરોમાં નવા નીરની આવક થઇ હતી.
કચ્છના અંજાર તાલુકામાં બે ઈંચ, ભચાઉમાં બે ઈંચ, ભુજ બે ઈંચ, રાપરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. અંજારમાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જયારે ભચાઉમાં બપોરે બારાથી બે વાગ્યા દરમિયાન એક ઈંચ, જયારે ભુજમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. રાપરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.