Site icon Revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 171 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં સાડા ત્રણ ઇંદ વરસાદ વરસ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં લગભગ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 29 જિલ્લાના 171 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાનાં ઉમરપાડામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. બારડોલી, કામરેજ તથા પલસાણામાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. માંડવીમાં બે ઇંચ વરસાદ થયો હતો.

તાપી જિલ્લાનાં સોનગઢ તથા વ્યારામાં અઢી-અઢી ઇંચ પાણી વરસ્યું હતું. નર્મદા જિલ્લાના સાગબારામાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. વલસાડ, ડાંગ, નવસારી તથા ભરુચ જિલ્લામાં સર્વત્ર બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

કચ્છના લખપતમાં બે ઇંચ તથા અબડાસામાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉતર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરામાં અઢી ઇંચ તથા અન્ય ભાગોમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો હતો. સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો હતો.

મધ્ય ગુજરાતનાં અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના બાવળામાં બે ઇંચ પાણી વરસ્યું હતું. અમદાવાદ શહેરના પણ અનેક ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો. દાહોદ, મહીસાગરમાં બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં અત્યાર સુધીમાં 127 ટકા, ઉતર ગુજરાતમાં 68.14 ટકા, મધ્ય ગુજરાતમાં 69.27 ટકા, સૌરાષ્ટ્રમાં 76.16 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.63 ટકા વરસાદ નોંધાયો છે.