Site icon Revoi.in

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતને લીધે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગત અઠવાડિયે 233 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. ત્યારબાદ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જો કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કમોસમી વરસાદથી બાકાત રહે એવી શક્યતા છે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, મહીસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં સામાન્ય છૂટાછવાયા વરસાદના ઝાંપટાં પડવાની શક્યતા છે. જ્યારે વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ હળવા ઝાપટાં પડી શકે છે.

રાજ્યના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી, પરંતુ પંચમહાલ, દાહોદ, ખેડામાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સોમવારે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને ખેડામાં વરસાદ પડી શકે છે. વરસાદ પડવાનું કારણ ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસર દક્ષિણ ગુજરાત પર થશે.

હવામાનની આગાહી કરતા હવામાનશાસ્ત્રીના કહેવા મુજબ  ગુજરાત પર વધુ એક માવઠાની શક્યતા છે, હાલ દક્ષિણ ભારતમાં ઇસાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બંગાળની ખાડીમાં વારંવાર અસ્થિરતા ઉદભવી રહી છે,  જેના ભાગરૂપે બંગાળની ખાડીમાં ચક્રવાતની એક સિસ્ટમ બની છે, તેના લીધે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમના ટ્રફ  ગુજરાત સુધી લંબાયેલા છે,. જેના કારણે 1થી 5 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. જો કે, આગામી તા. 5મી ડિસેમ્બરથી હવામાન ફરીથી ચોખ્ખું થઈ જશે. આ વખતનું માવઠું સાર્વત્રિક નહીં હોય અને એકદમ છૂટુંછવાયું તેમજ ઓછી તીવ્રતાવાળુ હશે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાયા મુજબ  આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં લઘુતમ તાપમાન વધે એવી શક્યતા છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન રાત્રિનું તાપમાન 2-3 ડીગ્રી જેટલું વધવાને કારણે ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. ત્યાર બાદ એકદમથી બેથી ત્રણ ડીગ્રી તાપમાનમાં ઘટાડો થતાં જ ઠંડીનું જોર વધશે. આ સાથે નલિયા શહેરમાં 12.2 ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું.