Site icon Revoi.in

દેશમાં જુલાઈ મહિનામાં UPIના વ્યવહારો 6 બિલિયનને પાર

Social Share

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા નોંધાયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈમાં 6 બિલિયનને વટાવી ગઈ છે, જે 2016માં પ્લેટફોર્મની શરૂઆત પછીના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં 6 બિલિયન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરી છે, જે 2016 પછી અત્યાર સુધીની સૌથી વધુ છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજે (2 ઓગસ્ટ) કરવામાં આવેલા ટ્વિટના જવાબમાં વડા પ્રધાને કહ્યું, “આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. તે નવી તકનીકોને અપનાવવા અને અર્થવ્યવસ્થાને સ્વચ્છ બનાવવા માટે ભારતના લોકોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટ્સ ખાસ કરીને મદદરૂપ હતા.

પ્લેટફોર્મના ઓપરેટર, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, UPI એ કુલ રૂ. 10.62 ટ્રિલિયનના 6.28 અબજ વ્યવહારો નોંધ્યા છે. મહિનામાં વ્યવહારોની સંખ્યા 7.16 ટકા વધી હતી અને મૂલ્યમાં 4.76 ટકાનો વધારો થયો હતો.

ટ્રાન્ઝેક્શન વોલ્યુમ દર વર્ષે લગભગ બમણું થયું છે, જ્યારે ટ્રાન્ઝેક્શન મૂલ્ય 75 ટકા વધ્યું છે. નાણાકીય ક્ષેત્ર અને અર્થવ્યવસ્થાને ડિજિટાઇઝ કરવાની ભારત સરકારની યોજનાના ભાગરૂપે, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ વ્યવહારો ધીમે ધીમે વધી રહ્યા છે.

ડિજિટલ પેમેન્ટ વ્યવહારો નાણાકીય વર્ષ 2018-19માં રૂ. 3,134 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2020-21માં છેલ્લા ચાર વર્ષમાં રૂ. 5,554 કરોડ થયા છે. નાણાકીય વર્ષ 2021-2022 દરમિયાન 28 ફેબ્રુઆરી, 2022 સુધી કુલ 7422 કરોડ ડિજિટલ વ્યવહારો નોંધાયા હતા.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. બીજી તરફ કોરોના મહામારી બાદ સરકાર દ્વારા ડિજીટલ પેમેન્ટ વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દેશમાં કરોડો લોકો હવે ડીજીટલ પેમેન્ટ તરફ વળ્યાં છે.