દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની અત્યારથી રાજકીય પક્ષોએ તૈયારીઓ સરી લીધી છે. બીજી તરફ પોલીસ પણ ક્યાંય ભૂલ ના રહી જાય તે માટે કાર્યવાહી કરી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને સલામત રીતે યોજાય તે માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર આવતા અવરોધો પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સરકારની પહેલ પર, ગોરખપુર ઝોનની પોલીસે ઝોનમાં 143 સીસી કેમેરા લગાવવા માટે સ્થળોને ચિહ્નિત કર્યા પછી તેનો રિપોર્ટ મોકલ્યો છે.
ગોરખપુર ઝોનના જિલ્લાઓની સીમા બિહાર અને નેપાળની સરહદોને અડીને આવેલી છે. ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી હોય કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગોરખપુર ઝોનની પોલીસ સંપૂર્ણ તકેદારી રાખે છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે યોજાય તે માટે પોલીસે બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મુલાકાતીઓની સઘન શોધ પણ કરવામાં આવે છે. આ વખતે સરકારની સૂચના પર ગોરખપુર ઝોનની પોલીસે સતર્કતા વધારી છે. પોલીસ મહાનિર્દેશકની કચેરી પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો કે, આંતરરાષ્ટ્રીય અથવા આંતર-રાજ્ય સરહદો પર આવેલા કોઈપણ નાકા અને અવરોધો પર સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ક્યાં લગાવવા જરૂરી છે. ઝોનની પોલીસને જ્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાત જણાઈ છે, તે જગ્યાઓ ઓળખીને તેનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોનમાં 143 સીસી કેમેરા લગાવવાની જરૂરિયાત જણાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.