Site icon Revoi.in

શાળા-કોલેજોના કર્મચારીઓને વેક્સિનની કામગીરી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે. કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા કેમ્પ યોજવામાં આવશે. રસીકરણની કામગીરી આગામી તારીખ 5મી, સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. સભંવિત ત્રીજી લહેર ખતરનાક હોવાની સાથે સાથે બાળકોને વધુ અસર કરશે તેવી ચેતવણી આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ આપી છે. ત્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેરને પહેલાં વેક્સિનેશનની કામગીરી સઘન કરવા રાજ્યના આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે આગામી તારીખ 5મી, સપ્ટેમ્બર શિક્ષક દિન પહેલાં રાજ્યભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં શાળાઓમાં આચાર્ય, શિક્ષકો, પ્રોફેસરો, ક્લેરિકલ સ્ટાફ, પટાવાળા તેમજ તેઓના પરિવારજનોને વેક્સિન આપવામાં આવશે. ઉપરાંત શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પણ રસી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા અને કોલેજોમાં રસીકરણની કામગીરી આગામી 5મી, સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની હોવાથી કેમ્પ યોજવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લા પંચાયત, મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રને લેખિત આદેશ કરવામાં આવ્યો છે.