Site icon Revoi.in

જંગલના વનરાજોને સીડીવીના રોગચાળાથી બચાવવા માટે વેક્સિન તૈયાર, ટ્રાયલ શરૂ કરાઈ

Social Share

રાજકોટ:  દેશ અને રાજ્યમાં કોઈ વાયરલને કારણે લોકો તેના ભોગ બનતા હોય છે તેવી રીતે પશુઓ,પ્રાણીઓ અને પક્ષીઓ પણ કોઈ અજ્ઞાત વાયરલનો ભોગ બનતા હોય છે. ત્યારે માનવીની જેમ પશુ-પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે પણ તેની રોગ-પ્રતિકારક શક્તિ વધે તેવી વેક્સિન માટે સંશોધનો થતા હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન જેવા ગીરના સિંહોને પરેશાન કરતા કેનીન ડિસ્ટેમ્પર વાયર (સીડીવી) માટેની વેકસીન તૈયાર થઈ ગઈ છે અને જુનાગઢમાં સકકરબાગના ઝૂમાં રખાયેલા સિંહો પર તેની ટ્રાયલ શરુ થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જંગલના સિંહોને સીડીવી વાયરસે અગાઉ ખૂબ જ પીડા આપી હતી અને અનેક સિંહો મૃત્યુ પણ પામ્યા હતા તે પછી રાજય સરકારે આ પ્રકારના વાયરસથી સિંહોને સુરક્ષિત કરવા માટે ખાસ વેકસીન તૈયાર કરાવી હતી. જેના પર હવે આ ટ્રાયલ શરુ થઈ છે. 2018માં ગીરના સિંહોએ આ વાયરસની હાજરી હતી અને 30 જેટલા સિંહોના મોત થયા છે અને 2020ના ફકત છ માસમાં જ 85 સિંહો આ વાયરસના શિકાર બન્યા હતા તેવું મનાય છે. વાઈલ્ડ લાઈફ નિષ્ણાંતોએ સીડીવી વાયરસ સામે વેકસીનની આવશ્યકતા દર્શાવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગીરના સિંહ તથા તેના વિસ્તારાયેલા ક્ષેત્રમાં કુલ 674 સિંહો હોવાનું 2019ની વસતી ગણતરીમાં જાહેર થયું હતું. કેનીન ડિસ્ટેમ્પર વાયરસ એ પ્રાણીઓને અને ખાસ કરીને જંગલી પ્રાણીઓમાં જોવા મળે છે. કેલીફોર્નિયામાં 1992માં પાલતુ સિંહોના ખાનગી ઝૂ માં સીડીવી વાયરલ નજરે ચડયો હતો અને બાદમાં ટાંઝાનીયાના નેશનલ પાર્કમાં પણ તે પ્રસર્યો હતો અને અહી અનેક  સિંહોના મોત થયા હતા. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 283 જેટલા સિંહ તથા સિંહ બાળના મૃત્યુ થયા તેમાં કુદરતી રીતે અકુદરતી બન્ને કારણો હોવાનું જાહેર થયું હતું અને 300 જેટલા દીપડાઓના મોતમાં પણ અકુદરતી મોતનું પ્રમાણ ઉંચુ હતું. ત્યારબાદ ગુજરાત બાયોટેકનોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર મારફત આ સીડીવી વેકસીન ફોર્મ્યુલા પરથી સિંહો પર પ્રયોગ શરૂ કર્યા છે અને હાલ તે પરિક્ષણના તબકકે છે. જો તે સફળ થશે તો ગીરના સિંહોને આપવાનો કાર્યક્રમ ઘડી કઢાશે. જો કે જંગલમાં જે રીતે સિંહ સહિતના પ્રાણીઓનું જીવન છે તેમાં દરેક પ્રકારની માનવ સુરક્ષા શકય નથી અને તેથી વેકસીન આ રીતે લગાવી શકાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. ગુજરાતમાં સિંહોની જે કાળજી રખાય છે તેથી તેની વસતી વધતી રહી છે અને વાઈલ્ડ લાઈફના સૂત્રોના કહેવા મુજબ જો આ વેકસીન સફળ થાય તો તે ગીરના અભ્યારણના સિંહો માટે એક આશિર્વાદ હશે.