Site icon Revoi.in

વડોદરા: પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ મ્યુઝિયમ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે

Social Share

વડોદરા: ભારતીય રેલવેના ભૂતકાળની ગૌરવગાથાના ગુણગાન કરવામાં આવ્યા છે. એ માટે વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને વર્લ્ડ હેરિટેજ દિન પર જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આના માટે કોઇ પ્રવેશ-ફી રાખવામાં આવી નહોતી. વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંગઠન, વડોદરાનાં અધ્યક્ષ શ્રીમતી અંજુ ગુપ્તા અને ડીઆરએમ અમિત ગુપ્તાએ રેલવે એન્જિનના વર્કિંગ મોડલનું રિબિન કાપી શુભારંભ કર્યો.

મંડળ રેલવે પ્રશાસનને સામાન્ય જનતા તરફથી મળેલા સારા પ્રતિસાદને પરિણામે રેલવે સત્તાવાળાઓએ આ હેરિટેજ મ્યુઝિયમને તા. 19 અને 20 એપ્રિલ 2022 એમ બે દિવસ માટે વધુ ખુલ્લું રાખવાની જાહેરાત કરી છે. તે મુજબ, આ મ્યુઝિયમ મંગળવાર અને બુધવાર (બે દિવસ) સવારે 10.00 વાગ્યાથી સાંજના 18.00 વાગ્યા સુધી કોઇ પ્રવેશ-ફી લીધા વિના ખુલ્લું રહેશે.

સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર તેમ જ હેરિટેજ મ્યુઝિયમની જાળવણીમાં ખાસ રસ ધરાવતા ભજનલાલ મીણા અને મંડળ મિકેનિકલ એન્જિનિયર સંતોષકુમાર મિશ્રાના ખાસ પ્રયત્નો તેમ જ એમના ટીમ વર્ક દ્વારા આની શોભામાં વધારો થયો છે. આમાં સ્થાનિક કલા શિલ્પી અને રેલવેના નિષ્ઠાવાન કર્મચારી શ્રી મયુર સોનીએ અપાર મહેનત અને નિષ્ઠાથી તૈયાર કરેલ રેલવે એન્જિનનું વર્કિંગ મોડલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તે સાથે જૂના રજવાડાનાં સમયની રેલવેના તમામ પ્રતીક ચિહ્નોને પણ એકસાથે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે.

ડીઆરએમ અમિત ગુપ્તા એ હેરિટેજ મ્યુઝિયમની ટીમ માટે રૂ. 15 હજાર અને મોડલ નિર્માતા મયુર સોનીને 5 હજારના વ્યક્તિગત પુરસ્કારથી સન્માનિત કર્યા.

મંડળ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે નેરોગેજ રેલવેની જાણકારીના મહત્ત્વથી આ મ્યુઝિયમ મહત્ત્વનું છે. આમાં બ્રિટિશ શાસનકાળમાં ચાલતી રેલવેનું ટાઇમ ટેબલ તેમ જ ભાડાની યાદી તેમ જ પ્રતાપનગર (ગોયા ગેટ) રેલવે સ્ટેશનના નકશા જેવી અનેક હેરિટેજ મૂલ્ય ધરાવતી વસ્તુઓ દર્શાવવામાં આવી છે. ગુપ્તાએ જણાવ્યું કે અમારી યોજના આને વિસ્તૃત કરી વધારે ભવ્ય બનાવવાની પણ છે. તે માટે અન્ય સંસ્થાઓ પાસેથી માર્ગદર્શન તેમ જ ડિઝાઇન મંગાવવામાં આવ્યા છે, જેથી એક જ સ્થળે અનેક આકર્ષણ લોકોને જોવા મળી શકે. તેમણે બાહ્ય હેરિટેજ સામગ્રીના સંગ્રહકર્તાઓને પણ જણાવ્યું કે જો તેમની પાસે રેલવે સંબંધિત કોઇ પણ હેરિટેજ વેલ્યૂ ધરાવતી વસ્તુ હોય તો તે મ્યુઝિયમ માટે આપે જેથી આ ગૌરવશાળી ઇતિહાસને વધુ દર્શકો સુધી પહોંચાડી શકાય. તેમના મતે આગામી સમયમાં પ્રતાપનગરનું આ રેલ હેરિટેજ મ્યુઝિયમ દેશના સૌથી લોકપ્રિય હેરિટેજ મ્યુઝિયમમાં સ્થાન ધરાવતું હશે અને આને વધારે સારું બનાવવાના પ્રયત્ન સતત ચાલુ રાખવામાં આવશે.