Site icon Revoi.in

વીર નર્મદે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપી અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતોઃ અમિત શાહ

Social Share

અમદાવાદઃ ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સૂરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપીને અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતો. સુરત એ ઉત્સાહ અને મનોરથોને સિધ્ધ કરનારી ભૂમિ છે.

બાળકોને સ્વ-ભાષા અને રાજભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસરે સૌ કોઈ સાથે મળીને આગામી 25 વર્ષમાં પોતાની સ્વ-ભાષાઓના માધ્યમથી દેશને સર્વોચ્ચ શીખરો સુધી લઈ જવાનો સંકલ્પ કરીએ. આપણી સ્થાનિય અને રાજભાષાઓ વિશ્વની સૌથી સમૃધ્ધ ભાષાઓ છે. હિન્દી એ આમજનતાની રાજભાષા છે અને તેને આગળ વધારવાની છે. તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અપાય તેવી નીતિ ધડવામાં આવી છે. મેડીકલ, વિજ્ઞાન, તકનીકી, ઈજનેરી અભ્યાસક્રમો પણ માતૃભાષાઓમાં થાય તે પ્રકારનું લક્ષ્ય નિર્ધારત કરવામાં આવ્યું છે. આ શિક્ષાનીતિથી આગામી સમયમાં ભાષાઓના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બનશે.

આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને અનેક પેઢીઓના સાહિત્ય સર્જનને સમજવું હોય તો રાજભાષા જાણવી જરૂરી છે. ભારત દેશના યુવાનોમાં અસીમ ક્ષમતાઓ રહેલી છે. દેશના યુવાનોને પોતાની માતૃભાષા તથા રાજભાષાનો સ્વીકાર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. બાળકોના સુવર્ણભવિષ્ય માટે ઘરમાં વાતચીતની ભાષા તરીકે પોતાની માતૃભાષાને અપનાવવાનો અનુરોધ અમિત શાહે કર્યો હતો.

ભારત દેશ અનેક ભાષાઓથી સમૃધ્ધ દેશ છે. ભાષાઓના માધ્યમથી લોકો એકબીજા સાથે સરળતાથી જોડાય છે. હિન્દી ભાષા એ બધી ભારતીય ભાષાઓની સખી છે સ્પર્ધક નહી તેમ જણાવતા ગૃહ મંત્રીએ કહ્યું કે, હિન્દીભાષાની સમૃધ્ધિથી તમામ ભાષાઓ સમૃધ્ધ બનશે. હિન્દીને લોકભોગ્ય બનાવવી જરૂરી છે. દરેક ભાષાને જીવંત અને સમૃધ્ધ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવા તેમણે અપિલ કરી હતી.

આ પ્રસંગે ’भारत के भाल की बिंदी है हिन्दी‘ એમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિવિધ ભાષાઓ ધરાવતા દેશમાં હિન્દી દિવસની ઉજવણી એ એકતાના પ્રતિક સમાન છે. વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમાંકનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં 19મી સદીમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના પ્રચારઅર્થે સત્યાર્થપ્રકાશ પુસ્તકની રચના હિન્દીમાં કરી હતી. ગુજરાતી અને હિન્દીએ એકબીજા સાથે જોડાયેલી ભાષાઓ છે. ગુજરાતી સાહિત્ય પણ હિન્દી સાથે જોડાયેલું  છે. શબ્દો અને લિપીમાં પણ સમાનતા જોવા મળતી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Exit mobile version